કોરોના કાળ માં રેલીઓ યોજવાનું હવે ભાજપ ને ભારે પડી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં સીઆર પાટીલ સાથે રેલીઓ અને ગરબા માં જોડાનાર સુરત ના ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ભાજપ ના વધુ બે આગેવાનો ના પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સાથેજ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જગદીશ મકવાણા ગત તા. 22 ઓગસ્ટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની લીંબડીમાં યોજાયેલી રેલીમાં હાજર રહ્યા હતા. આ રેલીમાં તેમની સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા પણ જોવા મળ્યા હતા. દરમિયાન ચોટીલા, લીંબડી અને ઝંઝરકા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. જેને કારણે ભાજપની રેલીઓમાં હાજર રહેલા અન્ય કાર્યકરોમાં પણ ફફડાટ ફેલાયો છે. બીજી તરફ જગદીશ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી હોવાને કારણે બધી જવાબદારી તેમના ઉપર હોઈ તેઓ પોતાના સાથી મિત્રો સાથે સતત વ્યસ્ત હતા અને સતત કોન્ટેકટ માં હોય તેઓ પોતેજ કોરોના પોઝિટિવ આવતા અન્ય સંપર્ક માં આવનાર નેતાઓ પણ ટેંશન માં આવી ગયા છે ત્યારે ભાજપ ના નવા પ્રદેશ પ્રમુખ ના સ્વાગત માં ઠેરઠેર યોજાયેલ ગરબા અને રેલીઓ હવે વિવાદ માં આવી છે અને કોરોના સ્પ્રેડ કરવામાં કારણભૂત બનતા સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે.
