કોરોના ની હાડમારી ને લીધે ધંધા રોજગાર ને વ્યાપક અસર થઈ છે લોકો પાસે પૂરતા પૈસા પણ નથી અને સરકારે એવી કોઈ રાહતો પણ નથી આપી કે લોકો મહામારી માંથી બહાર આવી શકે આ બધા વચ્ચે સ્કૂલો પણ બંધ છે ત્યારે સ્કૂલ સંચાલકો ફી ઉઘરાવવા માટે વાલીઓ ઉપર દબાણ લાવી રહ્યા છે આ સંજોગો માં વાલીઓ પણ સ્કૂલ બંધ છે તો ફી કેમ માંગો છો તે વાત ઉપર ભારે ગડમથલ ચાલી રહી છે ત્યારે હવે સરકારે હાઇકોર્ટમાં નવી અરજી કરીને રજૂઆત કરી છે કે,‘ખાનગી સ્કૂલ સંચાલકો સાથે સરકારે બે વખત બેઠક યોજી છે. બેઠકમાં હાઇકોર્ટના આદેશ મુજબ સરકારે ખુલ્લા મન સાથે સંચાલકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા, પરંતુ સંચાલકો ફી મામલે સમાધાન કરવા તૈયાર નથી. ફી મામલે હાઇકોર્ટ હુકમ કરે તે મુજબ સરકાર પગલા લેવા તૈયાર છે.
લોકડાઉન બાદથી આજ દિન સુધી સ્કૂલ બંધ હોવા છતાં સ્કુલ સંચાલકો વાલીઓ પાસેથી ફરજિયાત ફી ઉઘરાવતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિકાલ કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને શાળા સંચાલકો સાથે ખુલ્લા મને બેઠક યોજીને સમાધાન કરવા આદેશ કર્યો હતો અને તેના અનુસંધાને રાજ્ય સરકારે 17 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે બે બેઠક યોજી હતી પણ ફી મામલે કોઇ સમાધાન થયું નથી, જેના લીધે રાજ્ય સરકાર ફી મામલે નવો ઠરાવ કે સુધારો કરી શકી નથી.ફી મામલે વાલીઓ અને સંચાલકો વચ્ચે ગૂંચવાયેલા કોકડા મામલે હવે હાઇકોર્ટ હુકમ કરે તે મુજબ રાજ્ય સરકાર પગલા લેવા તૈયાર છે તેવું નક્કી થતા હવે હાઇકોર્ટ ના આદેશ સામે લોકો ની મીટ મંડાઇ છે.
