મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮પ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ૩ર રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. આ બેઠકમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય ધારાસભ્યો, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ માનદ સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા.
વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી જતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપી હતી. તેમણે ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોની બદીને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા પણ તાકીદ કરી હતી.