હવે ગતિશીલ ગુજરાતમાં પણ સિંગાપુર-દુબઇ જેવી ગગનચૂંબી ઇમારતોનું નિર્માણ થશે અને તે માટ રાજ્ય સરકારે મંજૂરીઓ આપી દીધી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી મળી ગઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.
આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.
ગગનચૂંબી ઇમારતોના નિર્માણનો નવો યુગ શરૂ
ટોલ બિલ્ડીંગ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનિક સ્ટ્રકચર બાંધી શકશે. કોરોના મહામારીના સંક્રમણની વિકટ સ્થિતી તથા તાઉતે જેવા વિનાશકારી વાવાઝોડાની પરિસ્થિતિના સફળતાપૂર્વક મુકાબલા માટે સમગ્ર તંત્રનું માર્ગદર્શન કરતા રહ્યાં છે. તેમણે આ આપદાઓ વચ્ચે પણ રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતા સાકાર કરતા સતત નિર્ણાયક અભિગમથી નગર સુખાકારીના નવા સિમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે.