રાજ્યમાં કોરોના સંક્રમણન કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે તે સાથે મોતનો આંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ રાજ્યમાં આજે કોરોનાથી 35 લોકો પોતાની જિંદગી હારી ચૂક્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 4021 કેસ નોંધાયા છે. કોરોના મહામારીથી સ્થિતિ વિકટ બની છે. ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક પણ તેના નવા રેકોર્ડે પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના વિકરાળ પંજામાં લોકો હોમાઈ રહ્યા છે.
10 મહિના બાદ આટલા મોત
રાજ્યમાં 21 જુલાઈએ કોરોનાથી 34 લોકોના મોત થયા હતા. 5 જૂને 35 લોકોના મોત થયા હતા. અર્થાત 10 મહિના જેવા મોટા અંતરાલ બાદ ગુજરાતમાં કોરોનાનો કાળ પંજો ફરી રહ્યો છે. રાજ્યમાં સ્મશાનોમાં પણ કોરોના સંકમિતોના અગ્નિ સંસ્કાર કરવા માટે લાઈનો લાગી છે. શહેરી વિસ્તારોના સ્મશાનોમાં પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે.
24 કલાકમાં 4 હજારથી વધુ કેસ
આજે ફરી રાજ્યમાં અધધ કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4000થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના પણ ચોંકાવનારા આંકડા આજે સામે આવ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં 4021 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 35 લોકોના મોત થયાં છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4655 એ પહોંચ્યો છે.
રિકવરી રેટમાં સતત ઘટાડો
બીજી બાજુ રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં 2197 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,07,346 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.44 ટકાએ પહોંચ્યો છે.
24 કલાકમાં 35 લોકોના મોત
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 20,473 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 182 લોકો વેન્ટિલેટર પર છે અને 20,291 લોકો સ્ટેબલ છે. 3,07,346 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4655 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 35 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1 સહિત કુલ 35 લોકોનાં મોત નિપજ્યાં છે
1 મહિનામાં જ 60 હજારથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત
કોરોના મહામારી ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ લાવી દીધી છે. ટેસ્ટિંગ ટ્રેસિંગ અને રસીકરણ વચ્ચે કોરોનાની બીજી લહેરની પીક ભારે પડી રહી છે. રાજ્યમાં ચૂંટણીઓ પછીથી કોરોનાએ જે ઝડપે માથું ઉંચક્યું છે તે સતત ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 8 માર્ચે માત્ર 555 જેટલા કેસ નોંધાયા હતા જેની સામે આજે 8 એપ્રિલે 4 હજારનો આંક વટાવી દીધો છે. 17 માર્ચ પછી ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 1 હજારને પાર આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ કોરોના સંક્રમણના નવા 15 હજારથી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. ગુજરાતમાં 1 મહિનાના અંતરાલમાં જ 60 હજારથી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે.