ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ હવે રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે કોંગ્રેસમાં નેતાઓ પક્ષ પલટો કરી રહયા હોય તેમાંય હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપી દેતા મુંઝવણ ભરી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ હવે ચેતી ગઈ છે અને હવે એક નહિ પણ 7 કાર્યકારી પ્રમુખ બનાવી પ્રમુખોની ફોજ ખડકી દીધી છે.
કોંગ્રેસે જે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી છે તે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ હોવાનું જણાય રહ્યું છે.
ગુજરાતમાં જે વ્યૂહરચના ગોઠવાઈ છે તેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
કોંગ્રેસની યાદીમાં પ્રથમ પાંચ ધારાસભ્ય છે, જેમાં ધારાસભ્ય લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે. જયારે બે નેતા કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ધારાસભ્ય નથી તેઓ પણ આ નેતાઓની હરોળમાં સ્થાન મળ્યું છે.
ગુજરાત કોંગ્રેસમાં પહેલા એક જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હતા, જો કે હવે 5 કાર્યકારી પ્રમુખ અને એમાં પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આમ હવે એક નહિ પણ ‘સાત’ કાર્યકારી પ્રમુખો ઉભા કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
આમ,હવે ગુજરાતમાં કોંગ્રેસે થોડી અલગ રણનીતી અપનાવી છે ત્યારે તે કેટલી સફળ રહેશે તેતો સમયજ કહેશે.