ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પુસ્તકોના ભાવોમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ધો.૧થી ૧૨ના પુસ્તકોની કિંમતમાં સરેરાશ ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. તેમાં પણ ધો.૧૦, ધો.૧૨ સાયન્સના પુસ્તકોની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે. આ વર્ષે NCERTના અભ્યાસક્રમનો અમલ કરવામાં આવ્યો હોઈ પુસ્તકોના ભાષાંતરને લઈને કિંમતમાં વધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ધો.૧૨ સાયન્સમાં મુખ્ય ચાર વિષયના પુસ્તકો અગાઉ રૂ. ૬૮૯માં મળતા હતા તે હવે રૂ. ૯૩૭માં મળશે. આ જ રીતે અન્ય તમામ ધોરણમાં વધારો કરાયો છે.
રાજ્યના શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષથી NCERTના પુસ્તકો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ડિસેમ્બર માસથી જ નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમના પુસ્તકો તૈયાર જ લઈ લેવાયા હતા. પરંતુ ગુજરાતી માધ્યમના પુસ્તકો માટે ભાષાંતર કરાવવામાં આવ્યું હતું. જેના માટે નિષ્ણાતોની ટીમ કામે લગાડવામાં આવી હતી. ભાષાંતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પુસ્તકો પ્રિન્ટ કરવાની કાર્યવાહી કરાઈ હતી.
દરમિયાન, હવે પુસ્તકો બજારમાં આવી રહ્યા છે ત્યારે તેમની કિંમત સાંભળી વાલીઓની આંખો પહોળી થઈ રહી છે. ધો.૧થી ૧૨ના પુસ્તકોની કિંમતમાં સરેરાશ ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સના પુસ્તકોમાં જંગી વધારો છે. ધો.૯ના પુસ્તકોની કિંમતમાં પણ વધારો થયો છે. ધો.૧૦માં ગુજરાતી માધ્યમમાં ગણિતનુ પુસ્તક રૂ. ૮૯માં અને વિજ્ઞાનનું પુસ્તક રૂ. ૯૧માં મળતું હતું. આમ, બંને પુસ્તક રૂ. ૧૮૦માં મળતા હતા, તેના બદલે ભાવ વધારા બાદ ગણિતનું પુસ્તક રૂ. ૧૨૬ અને વિજ્ઞાનનું પુસ્તક રૂ. ૧૪૯માં મળી રહ્યું છે. આમ, બંને પુસ્તકના મળી કુલ રૂ. ૨૭૫ થવા જાય છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં જૂના ભાવ રૂ. ૧૮૦ હતો તે વધીને રૂ. ૩૦૫ થઈ ગયો છે. ધો.૧૦ની જેમ ધો.૧૨માં પણ પુસ્તકોની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ધો.૧૨માં મુખ્ય ચાર વિષયના પુસ્તકો રૂ. ૬૮૯માં મળતા હતા તેના બદલે હવે રૂ. ૯૩૭માં આ પુસ્તકો મળી રહ્યા છે. રસાયણ વિજ્ઞાનનું ભાગ-૧ પુસ્તક ૮૪ના બદલે રૂ. ૧૫૩ થઈ ગયું છે. જ્યારે ભાગ-૨ના ૯૭ના રૂ. ૧૦૪ થયા છે. આ જ રીતે ગણિત ભાગ-૧ના રૂ. ૯૪ના રૂ. ૧૦૪ અને ભાગ-૨ના રૂ. ૯૪ના બદલે રૂ. ૧૧૦ થયા છે. જ્યારે ભૌતિક વિજ્ઞાન ભાગ-૧ના ૯૭ના રૂ. ૧૫૩ અને ભાગ-૨ના ૯૨ના રૂ. ૧૫૩ કરાયા છે. જીવવિજ્ઞાન ભાગ-૧ના રૂ. ૫૫ના બદલે રૂ. ૧૫૩ થયા છે. જ્યારે ભૌતિક વિજ્ઞાન પ્રયોગપોથી જે રૂ. ૬૨માં મળતી હતી તેના ભાવ રૂ. ૨૨૧ થઈ ગયા છે. આમ, ધો.૧૨ સાયન્સના મોટાભાગના પુસ્તકોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.