ગુજરાત યુનિવર્સીટીની સિન્ડિકેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાત યુનિવર્સીટીનું વર્ષ 2019-20નું 222 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટને બોર્ડ ઓફ એકાઉન્ટ અને સિન્ડિકેટએ મંજૂરી આપી છે. આ બજેટમાં રમત ગમત અને અન્ય પ્રવૃતિ માટે 1.73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્ટેલને આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવા ટ્રાન્ઝિટ હાઉસ બનાવવા 10 કરોડની જોગવાઈ કરાઈ છે. વિદ્યાર્થી લક્ષી પ્રવૃતિઓ માટે 8 કરોડની જોગવાઈ કરાઈ છે.
આ ઉપરાંત આગામી વર્ષમાં ડ્યુઅલ ડિગ્રી કોર્સ જેવા કે સ્કૂલ ઓફ એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, નેનોસાયન્સ અને મટિરીયલ સાયન્સને લગતા કોર્ષ શરુ કરવાનો નિર્ણય કરાયો છે. રઘુવીર ચૌધરી, વિષ્ણુ પંડ્યા, ગુણવંત શાહ, બ્રહ્મવિહારી સ્વામી, અંકિત ત્રિવેદી, પરમાત્માનંદને આ માનદ પદવી આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે રાજ્યપાલની મંજૂરી મેળવવામાં આવશે. 13મી ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટીમાં કોન્વોકેશનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રથમવાર એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ એનાયત કરાશે.