રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સર્જાયેલા વરસાદી માહોલ અને સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજકોટ, સુરત અને બનાસકાંઠા ખાતે જવા વડોદરાથી NDRFની 5 ટીમ રવાના કરવામાં આવી છે જેમાં રાજકોટમાં ત્રણ અને સુરત તથા બનાસકાંઠામાં એક-એક ટીમ રવાના કરાઇ છે.
રાજ્યના ગીર સોમનાથ,નવસારી અને આણંદમાં પણ ટીમ હાજર છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને આણંદ જિલ્લાના બોરસદમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. બોરસદ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે એનડીઆરએફની ટીમોને પણે તૈનાત કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ પડવાની શક્યતાઓને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.