ગુજરાતના જાણીતા 6 ગ્રુપ GSTની વરૂણીમાં આવી ગયા છે. પ્રોડક્શન અને બીલીંગના ડેટા ટેલી નહી થવાના કારણે GST વિભાગે કરોડો રૂપિયાની રિકવરી કાઢી છે. તમામ 6 ગ્રુપ ગુજરાતના છે. ગુજરાતના 6 જેટલા બિઝનેસમેન સામે GSTના નિયમોના ઉલ્લંધન અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિગતો મુજબ GST વિભાગે છેલ્લા બે મહિનામાં રાજ્યના અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને 1200 કરોડની રકમના વ્યવહારો ઉપર કુલ 121 કરોડની કરચોરી પકડી પાડી છે. આમાં GST અને વેટ બંને સામેલ છે. પેટ્રોલિયમ પેદાશોમાં હજુ વેટ ચાલી રહ્યો છે એટલે તેમાં પણ ચોરી થતા આંકડો ઘણો મોટો થઈ ગયો છે. એમાંથી આશરે 30-35 ટકા રકમ વસૂલી પણ લેવામાં આવી છે.
GST વિભાગે કર ચોરી મામલે ઊંઝાના બે, ડીસાના એક, ગોંડલના ત્રણ વેપારીઓની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. કરચોરી કૌભાંડમાં ગોંડલના વેપારી વિમલ ભૂત તથા તેના ભાઈ અનિલ ભૂત દ્વારા બોગસ પેઢીઓ ઉભી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોંડલના રવિકુમાર વાજાએ ટેક્સ ક્રેડીટ ખોટી રીતે ટ્રાન્સફર કરી આઠ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હતી. ડીસાના મેહુલ ઠક્કરે 13 કરોડ અને ઊંઝાના અમિત ઠક્કર અને મયુર ઠક્કરે 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.આમ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. GST વિભાગે તમામ 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત GST કમિશનર પી.ડી. વાઘેલાએ મીડિયાને જણાવ્યું કે `હજુ પણ અમુક વેપારીઓ ટૅક્સની ચોરી કરે છે, પરંતુ GSTમાં’ ક્રોસ ચાકિંગ થતું હોવાથી વહેલા મોડે ચોરી પકડાઈ જાય છે. ચોરી કરનાર હંમેશાં ડિપાર્ટમેન્ટના રડારમાં આવી જાય છે. ટૅક્સ ચોરીની ઘણી રકમ વસૂલી પણ લીધી છે અને થોડા દિવસોમાં બાકીની રકમ પણ સરકારી ખજાનામાં જમા થઈ જશે’
તેમણે કહ્યું કે સરક્યુલર’ ટ્રાડિંગમાંથી 20 કરોડ, પેટ્રોલ પમ્પ ઉપરથી 33 કરોડની વેટ ચોરી, લીકરશોપમાંથી 12 કરોડ, ડિફોલ્ટરો પાસેથી 50 કરોડ અને જ્યુબિલન્ટ ફૂડવૉર્ક્સ લિમિટેડના ડોમિનોઝ પિત્ઝા પાસેથી 5.79 કરોડની કર ચોરી ઝડપી છે. પેટ્રોલ પમ્પ અને ડોમિનોઝ પિત્ઝા પાસેથી તો છેલ્લા એક અઠવાડિયામાં જ ચોરી પકડાઈ છે.’ GSTની કલમ 67 મુજબ રેડની કાર્યવાહી થાય છે અને કલમ 69 મુજબ જો ટૅક્સચોરી પછી સરકારને ટૅક્સની રકમ ન ચૂકવે અને ટૅક્સની રકમ બે કરોડથી પાંચ કરોડની હોય તો ધરપકડ સુધીની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે.