: સંઘપ્રદેશ દમણ(Daman)માં કોરોનાનો કેર દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. જેને લઈ હવે પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ માટે આ એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. દમણમાં શનિવારનાં રોજ વધુ 7 કોરોના પોઝેટીવ(Corona Positive) કેસ નોંધવા પામ્યા છે. જેમાં 6 વ્યક્તિઓમાં તેના લક્ષણ દેખાતા જ તેમને અગાઉ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ સાથે જ આજે 1 વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ્ય(Healthy) થઈ જતા તેને કોરોન્ટાઈન(Quarantine) સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. જેને લઈ દમણમાં 11 જેટલા કેસ રીકવર્ડ થઈ જવા પામ્યા છે. જ્યારે ટોટલ એક્ટીવ કેસની સંખ્યા 66 ઉપર પહોંચી જવા પામી છે. દમણના કચીગામના અરજણ ફળિયા અને તેની આસપાસના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવતા દમણના ડાભેલમાં 14, કચીગામમાં 5, દૂનેઠાનો 1 અને નાની દમણ નગર પાલિકા વિસ્તારના 4 મળી કુલ 24 કન્ટેઈનમેન્ટ જાહેર થવા પામ્યા છે.
ભરૂચમાં કોરોના સકંજો જમાવી રહ્યો છે. જિલ્લા શનિવારે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેવટે અંકલેશ્વર શહેરી અને નગરપાલિકા હદ વિસ્તારમાં પણ કોરોનાએ પ્રવેશ મેળવી લીધો છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 9માં આવતા આદર્શ હાઇસ્કુલના વિસ્તારમાં ગંગાજમના સોસાયટીની પાસેના વિસ્તારમાંથી 59 વર્ષના અશ્વિનભાઇ મોદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇને ભારે ફફડાટ પ્રજામાં જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટીમાં પણ વધુ એક ૩૯ વર્ષીય યુવક જયવિરસિંહ રઘુવીરસિંહ કોરોના સંક્રમિત જણાયો છે. આ ઉપરાંત બાબુ કાલાભાઇ આહીર (રહે. B/46, અમીધરા ટાઉનશીપ, નંદેલાવ રોડ, ભરૂચ), ખાલીદ અબ્દુલા બાલા (રહે. પંચશીલ સોસાયટી, જંબુસર)યાસીનખાન પઠાણ (રહે. કસ્બા, જંબુસર), ઇકબાલ ઇબ્રાહિમ ઉગાદર (રહે. ભગુભાઇની ખડકી, સારોદ, જંબુસર), અયુબ આદમ ગુગળ (રહે. સેગવા, ભરૂચ), રાજેન્દ્ર કાચેલા (રહે.ફીચવાડા, ઝઘડિયા)ને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
એક તરફ જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરની કોવિડ – ૧૯ જયાબેન મોદી હોસ્પિટલ માંથી સાત દર્દીઓ એ કોરોનાને માત આપી હતી, જેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ કોવિડ પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે, ભરૂચ, જંબુસર બાદ અંકલેશ્વરમાં કોવિડ કેસોમાં વધારો નોંધાતા લોકોને સાવચેતી દાખવીને બિનજરૂરી ઘરની બહાર ન ફરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.