Gujarat સમગ્ર ગુજરાતભરમાં પત્રકારો માટે મોટો ગંભીર પ્રશ્ન આવીને ઉભો થઈ ગયો છે. યૂટ્યુબર પત્રકારોએ જેન્યુઈન અને કર્મઠતાથી પત્રકારત્વ કરતાં પત્રકારોની છાપનો દાટ વાળી નાંખ્યો છે. જેન્યુઈન પત્રકારો આવા પત્રકારોથી ત્રસ્ત બની ગયા છે અને તેમને પણ સમાજ અને જાહેરમાં નીચા જોવાનો વારો આવી રહ્યો છે.યૂટ્યુબર પત્રકારોના ઉત્પાતને વહીવટી તંત્ર સવેળા નાથે તે જરુરી બની ગયું છે. આવા યૂટ્યુબર પત્રકારોને લઈને પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજીટલ મીડિયાના પત્રકારોની સ્થિતિ દિવસેને દિવસે જાહેરમાં કફોડી બની રહી છે. કેટલાક કિસ્સાઓમાં યૂટ્યુબર પત્રકારોને વહીવટી તંત્ર પણ પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું પણ ધ્યાને આવ્યું છે.
ભૂતકાળમાં રાજ્ય સરકારને આ મામલે ઘણી ફરિયાદો મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં યૂટ્યુબર પત્રકારોના ઘોડાપૂર છે જેમને કોઈ અખબાર, મીડિયા અથવા ચેનલ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેઓ પોતાને પત્રકાર કહે છે અને અધિકારીઓ અને સામાન્ય લોકો પર અયોગ્ય દબાણ લાવે છે. રાજ્યના વિવિધ શહેરોમાં નકલી પત્રકારો બનીને અસામાજિક તત્વો ગુનાહિત પ્રવૃતિઓ કરી રહ્યા છે. સરકાર દ્વારા ફરિયાદો અંગે કાર્યવાહી પણ કરવામાં આવે છે પણ આવા પત્રકારોનો રાફડો ફાટ્યો છે અને પોતાના ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ પર “PRESS” લખાવીને ગામમાં ફાંકા ફોજદારી કરતા ફરે છે. આમાં કેટલાક અપવાદરુપ કિસ્સામાં જૂજ જ એવા યૂટ્યુબર પત્રકારો છે જેઓ ખરેખર પત્રકારત્વ કરે છે. આવા પત્રકારોને પણ આઈડેન્ટીફાઈ કરીને અલગ તારવવા જોઈએ.
“PRESS” ના નકલી ઓળખ કાર્ડ
પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક લોકો “PRESS” ના નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને પોલીસ અને વહીવટી અધિકારીઓ પર દબાણ કરી રહ્યા છે. ઘણા વાહનચાલકો નકલી ઓળખ પત્ર લઈને પણ ફરતા હોય છે. આ સિવાય અસંખ્ય વાહનો પર પ્રેસની છાપ છે. જ્યારે આ વાહનોને પત્રકારત્વ સાથે કોઈ લેવાદેવા નથી.
YouTube ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ પત્રકારત્વ માટે અધિકૃત નથી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યૂટ્યુબ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓને પત્રકારત્વ માટે અધિકૃત માની શકાય નહીં. તેમની અનધિકૃત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય છે. આવા પત્રકારો સામે આઈટી એક્ટ સહિતની કલમો અંગે કાર્યવાહી કરી શકાય છે એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ૉ
લોકોને બ્લેકમેઈલિંગ કરતા હોવાના કિસ્સા યૂટ્યુબર પત્રકારોની સામે જે સૌથી મોટી ફરિયાદ આવી છે તેમાં તેઓ”PRESS” ના ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને દુકાનદારો, બિલ્ડરો અને અધિકારીઓને દબડાવતા હોય છે. તેમને “PRESS”નાં P સાથે પણ કોઈ નિસ્બત હોતી નથી. માત્રને માત્ર રોફ જમાવી લોકો અને અધિકારીઓની પાસેથી રુપિયા ઉઘરાવી લેવાની વૃત્તિ ધરાવે છે. કેટલાક કિસ્સામાં અધિકારીઓ પણ આવા યૂટ્યુબરોની સાથે સાંઠગાંઠ રાખે છે. ખાસ કરીને પોલીસ, મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતોમાં આવા પત્રકારો અડીંગો જમાવીને બેઠેલા હોય છે. યૂટ્યુબર પત્રકારો ખાસ કરીને આરટીઆઈ કાયદાનો મોટો ગેરઉપયોગ કરે છે. માણસનું કામ ચાલતું હોય ઉત્તરમાં અને છેક દક્ષિણ છેડેથી આવા યૂટ્યુબર પત્રકારો આરટીઆઈ કરીને લોકોની પજવણી કરવામાં કશી પણ છોછ રાખતા નથી.
અસામાજિક તત્વો પણ સક્રીય
યૂટ્યુબર પત્રકારોના ઓથા હેઠળ રાજ્યભરમાં અસામાજિક તત્વો પણ સક્રીય થયા છે. જોવા મળે છે કે કેટલાક કેસોમાં પોલીસ અને કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યા છે. હવે પોલીસ અને કલેક્ટર આરટીઆઈની સાથે યૂટ્યુબર પત્રકારો અને અધિકારીઓની સાંઠગાંઠને ખૂલ્લી કરી તેના પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. અનેક ગાડીઓ પર “PRESS” અને ટીવી મીડિયા લખેલું જોવા મળે છે. આવા યૂટ્યુબરોનો એક માત્ર હેતુ ક્યાંકથી રુપિયા હાંસલ કરવાનો હોય એવું ધ્યાનમાં આવ્યું છે.
દેશના અનેક શહેરોમાં યૂટ્યુબર પત્રકારો પર છે પ્રતિબંધ
દેશના મોટા અને નાના અનેક શહેરોમાં યૂટ્યુબર પત્રકારો પણ જે તે રાજ્ય સરકારો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ ઈવેન્ટ હોય પત્રકાર હોવાની ઓળખ આપી ફાંકા ફોજદારી કરતા આવા લોકો પર ગુજરાતમાં પણ પ્રતિબંધ મૂકી દેવાની જરુરિયાત જણાય છે.