મોરબીઃ મોરબીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં મહિલા બુટલેગરને યુવક સાથે પ્રેમ થતાં પોતાના પતિની હત્યા કરી નાખી હતી. જોકે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમા સનસની ફેલાઈ હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંદી વધુ તપાસ હાથધરી હતી.
મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગરમાં એક મહિલા બુટલેગરે પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ શરુ કરી છે. હત્યા બાદ લાશને દાટી દેવામાં આવી હતી, જેને શોધીને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પાછલા મહિનાના અંતમાં 27 ફેબ્રુઆરીએ શૈલેશ અગેચાણીયા ગુમ થયો હતો. જે અંગે તેમના પરિવાર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારના સભ્યો દ્વારા શૈલેશની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અગેચાણીયા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, આરતી દેશી દારુનો ધંધો કરે છે. લોકડાઉન ખુલ્યું તેવા સમયથી આરતી તેના પતિ શૈલેશ સાથે નહીં પરંતુ દારુનો ધંધો કરતા સાજણ માજોઠી સાથે રહેતી હતી.
રિપોર્ટ મુજબ આરતી તેના પ્રેમી સાથે કાંતિનગરમાં માળીયા ફાટક પાસે મોરબી-2માં રહેવા જતી રહી હતી. પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે આરતીએ તેના પતિ શૈલેશને સાજણ માજોઠીના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન બન્ને તેને ગળેટુંપો આપીને મારી નાખ્યો હતો. આ પછી તેને ઘરની પાછળ જ ખાડો ખોદીને દાટી દીધો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. બીજી તરફ મૃતકના પરિવાર દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.