ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 12 ના પરીણામો જાહેર થઈ ગયા બાદ હાલ યુનિ. ના વિવિધ અભ્યાસક્રમોમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે તેમાં જ્ઞાતિના વિવિધ પ્રમાણપત્રો ફરજીયાત અપલોડ કરવાના છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ સર્ટીફીકેટ કઢાવી શકતા ન હોવાથી તેઓ પ્રવેશ ફોર્મ ભરવામાંથી વંચિત ન રહી જાય તે માટે કનુ ભરવાડ દ્વારા યુનિ. તંત્રને આવેદન આપીને ઓનલાઈન પ્રવેશ માટે આ તમામ પ્રમાણપત્રો મરજીયાત કરવા માટે માંગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે સાયન્સ અને કોમર્સ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અથવા થવા જઈ રહી છે ત્યારે બીજી તરફ સુરતમાં વધતા જતા કોરોનાના કેસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયમાં અનામત બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં અનામતના તેમજ જાતિના વિવિધ સર્ટીફિકેટ અપલોડ કરવા ફરજીયાત છે. પરંતું હાલ ખૂબ ઓછા કેન્દ્રો પર પ્રમાણપત્રોની કામગારી ચાલી રહી છે આથી હાલની પરિસ્થિતિમાં વાલીઓ માટે પ્રમાણપત્રો કઢાવવા ખૂબ અધરા છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય પ્રવેશના અભ્યાસક્રમોમાં પ્રમાણપત્રો અપલોડ કરવાની માહિતી ફરજીયાત ન રાખતા માત્ર માહિતીના આધારે જે- તે પ્રવેશ કામગીરી આગળ ચલાવવા માટે માંગ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પર પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે જાય ત્યારે જ અનામત અંગેનું પ્રમાણપત્ર રજૂ કરે તે વિદ્યાર્થીઓના હીતમાં છે.