કચ્છના ગાંધીધામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીનો પ્રેમસબંધ મંજુર ન હોવાથી માતા પિતા અને ભાઈએ યુવતીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાછળથી બનાવને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કરાયો હતો દુપટા વડે યુવતીને ઘરની આડીમાં લટકાવી દીધી હતી જો કે,પોલીસ તપાસમાં યુવતીની હત્યા થયાનું ફલિત થતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે
આ મામલે મળતી માહિતી અનુસાર, ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં માતા પિતા અને ભાઈએ 19 વર્ષીય ભારતીબેન રમેશ રાજગોરની હત્યા નીપજાવ્યાના બનાવના પગલે ગાંધીધામ સંકુલ સહિત જિલ્લા ભરમાં ભારે ચકચાર પ્રસરી છે.હત્યાના બનાવને છુપાવવા આપઘાત કર્યો હોવાનું જાહેર કરાયું હતું.પરંતુ પાછળથી ભાંડો ફૂટી ગયો હતો.
માવતર કમાવતર બનતાં આ બનાવથી પોલીસને પણ આંચકો લાગ્યો હતો. ગળપાદર ગામ ખાતે આવેલી કૈલાસ સોસાયટી ઝૂંપડપટ્ટીમાં બનેલા ઓનર કિલિંગના બનાવ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે હતભાગી યુવતી કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં નોકરી કરતી હતી.
આ દરમિયાન તેને મનોજ વાઘેલા નામના યુવાનનો સંપર્ક થયો હતો બન્નેની આંખ મળી ગઈ હતી આ બન્ને પ્રેમી પંખીડાઓએ લગ્નના તાંતણે બંધાવા માટે મન મનાવી લીધું હતું. પરંતુ યુવતીના પરિવારજનોને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો. છેલ્લા બે ત્રણ દિવસથી હતભાગી યુવતીએ મનોજ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી.
પરંતુ જ્ઞાતિ બહારના યુવક સાથે લગ્ન કરવાથી પરિવારની આબરૂ જશે તેવી વાત પકડી રાખી પરિવારજનો ના જ પાડતા હતાં મામલો વધુ બીચકતાં રોષે ભરાયેલા માતા, પિતા અને ભાઈએ તેણીનું ઠંડા કલેજે કાસળ કાઢી નાખ્યું હતું. આરોપી માતા રશ્મિબેન , પિતા રમેશ ભાઈ અને ભાઈ મનીષે હત્યા નીપજાવી હતી.
માતા યુવતીની છાતી ઉપર ચડી ગઈ હતી. અને તકિયાથી મોઢું દબાવ્યું હતું અને ગળું દબાવી હત્યા નીપજાવી હતી. ભાઈ અને પિતાએ તેણીને પકડી રાખી હતી હત્યા નીપજાવ્યા બાદ બનાવને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કરાયો હતો. તેણીને દુપટ્ટાથી બાંધીને ઘરની આડીમાં લટકાવી દીધી હતી અને ભાઈએ ફોટા પાડયા હતા.
પોલીસને બહેને આપઘાત કર્યો તેવું જણાવ્યું હતું જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો ગળાફાંસો ખાવાથી નહીં પણ ગળુ દબાવી હત્યા નીપજાવાઈ હોવાનું જણાયું હતું. બનાવના પગલે પોલીસે આરોપીઓને રાઉન્ડઅપ કરી કડક પૂછપરછ આદરી છે.