રાજ્યના ગૃહવિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકડાઉનના જાહેરનામાના ભંગ બદલ પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી કુલ 299 ગુનો નોંધાયા છે. અગાઉ 61 ગુના નોંધાયા હતા અને સોમવારે રાતના 12 વાગ્યાથી માંડીને મંગળવાર બપોર સુધીમાં વધુ નવા 238 ગુના નોંધાયા છે.
આ પહેલા ક્વોરન્ટાઇન ભંગ બદલ 20 ગુના નોંધાયા હતા અને સોમવાર રાતથી મંગળવારની બપોર સુધીમાં નવા વધુ 127 ગુના નોંધવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ 118 વ્યક્તિઓની વિવિધ ગુનાસર કરાયેલી અટક પછી સોમવારની મધરાતથી મંગળવારની બપોર સુધીમાં વધુ 426 વ્યક્તિઓની અટક કરાઈ હતી.
લોકડાઉનના અમલીકરણમાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો તેનું તાત્કાલિક નિવારણ થાય તે માટે 24 કલાક કામ કરતો કંટ્રોલ રૂમ પોલીસ તંત્ર દ્વારા ઊભો કરાયો છે, જેની કામગીરી ઉપર બે એડીજી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ એડીજીની નીચે એક આઈજી, એક એસપી અને એક ડીવાયએસપીને સાંકળી ત્રણ ટીમો રાજ્યમાં દેખરેખ રાખવા બનાવાવામાં આવી છે.