અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનનો મામલો ગરમાયો છે. કોંગ્રેસના 3 ધારાસભ્યો સહિત 25 કાર્યકર્તાઓ સામેની ફરિયાદનો વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિત અન્ય કોંગી આગેવાનોની અટકાયત કરી.
કોંગ્રેસના નેતાઓ સામે થયેલા કેસ મુદ્દે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓ શહેર કોંગ્રેસ કાર્યાલયથી ઢોલ વગાડતા-વગાડતા કારંજ પોલીસ સ્ટેશને જવા રવાના થયા હતા. પરંતુ પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરતા મામલો ગરમાયો હતો.
કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓએ માત્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા અનેક આગેવાનોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કાર્યકર્તાઓએ કર્યો છે. કોંગ્રેસના આગેવાનો સામે નોંધાયેલી ફરિયાદને લઇને કોંગ્રેસમાં ભારે રોષ પ્રવર્ત રહ્યો છે.