પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરાંત વધુ ૧૫ રેલવે સ્ટેશનો પરથી આગામી સોમવારથી કરંટ બુકિંગ અને રિઝર્વ બુકિંગ ટિકિટોના કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ થશે. કોરોનાકાળમાં છેલ્લા દોઢેક વર્ષથી આ સુવિધા ફક્ત અમદાવાદ રેલવે સ્ટેશન પુરતી જ હતી. હવે મણિનગર, સાબરમતી(ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર સોમવારથી શનિવારે સુધી સવારે ૮ઃ૦૦ કલાકથી રાતના ૮ વાગ્યા સુધી તથા રવિવારે સવારે ૮ થી બપોરના બે વાગ્યા સુધી પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકાશે. આ પછી મુસાફરો યુટીએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકશે અને કરંટ બુકિંગ સુવિધાનો લાભ લઇ શકશે.આ ઉપરાંત કલોલ, ઉંઝા, સિદ્ધપુર, ધ્રાંગધ્રાં, વિરમગામ, ડીસા, સામખ્યાલી, ભચાઉ અને ભીલડી સ્ટેશનો પર આ સુવિધા તમામ દિવસો પર સંપૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહેશે.ચાંદલોડિયા સ્ટેશનર પર મુસાફરો તમામ દિવસોમાં સવારે ૮ વાગ્યાથી રાતના ૯ :૩૦ સુધી તેમજ પાટણ સ્ટેશન પર તમામ દિવસોમાં સવારે ૮ થી રાતના ૯ વાગ્યા સુધી તેમની અનામત ટિકિટ રદ કરાવી શકશે અને કરંટ કાઉન્ટર બુકિંગની સુવિધાનો લાભ લઇ શકશે.તા. ૯ જુલાઇથી અમદાવાદ-દરભંગા જનસાધારણ સ્પેશિયલ ટ્રેન ૧૫ મિનિટ મોડી ઉપડશે. ઉપરોક્ત તારીખથી આ ટ્રેન રાત્રે ૨૦ઃ૫૦ કલાકને બદલે હવે ૨૧ઃ૦૫ કલાકે ઉપડશે.નવી સુચના ન મળે ત્યાં સુધી આ ફેરફાર મુજબ ટ્રેનનું સંચાલન થશે.
