અમદાવાદ ના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ માં મન ફાવે તેવા ભાવ વસૂલી મેચ રસિયાઓ ને લૂંટી લેવાતા એક તરફ મેચ નો શોખ પણ બીજી તરફ ન છૂટકે મોંઘી પ્રોડક્ટ ખરીદી લોકો બેવડ વળી ગયા છે. અહીં અમૂલની લગભગ તમામ પ્રોડક્ટોના ભાવને ડબલ કરીને સ્ટેડિયમમાં વેચવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અમુલ મસ્તી છાશની બોટલની કિંમત 50 રૂપિયા છે પણ તે સ્ટેડિયમમાં 30 રૂપિયાનો એક ગ્લાસ વેચાય છે. જેથી એક બોટલમાંથી અંદાજે 4 ગ્લાસ ભરાય છે. સ્ટેડિયમમાં આવેલા દર્શકોને 50 રૂની બોટલમાંથી 30-30 રૂ. કરીને 4-5 ગ્લાસ વેચીને ડબલથી ત્રીપલ નફો વસૂલવામાં આવે છે. આમ અમૂલ દ્વારા સ્ટેડિયમમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે આવતા લોકોને જ લૂંટવાનો કારસો ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે ત્યાં વેચાણ કરતા લોકોને આ વાતની ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, સ્ટેડિયમ માટે આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
અમૂલ જ નહીં પરંતુ સામાન્ય ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચાડી દેવાયા છે. ચા- કોફીથી લઈને સમોસા, બર્ગર, સેન્ડવીચ જેવી અન્ય તમામ ફાસ્ટફૂડની વાનગીઓને પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડબલ ભાવ સાથે વેચવામાં આવી રહી છે. એક બાજુ 10 રૂ.નો એક ગ્લાસ પાણી અપાય છે. તો આવી ભડભડતી ગરમીમાં આખી ટેસ્ટમેચ જોવા માટે આવેલા લોકોને પાણી પીવા માટે પોતાના ઘરેથી બોટલ લાવવાની પણ પરવાનગી આપી નથી ત્યારે આ છૂટછાટ અપાય તેવી માંગ ઉઠવા પામી છે.
