અમદાવાદમાં આજે શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા આવેલી એક મહિલાને લોકોએ બચાવી લીધી હતી અને હાલ મહિલાને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ છે, જ્યાં તેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ રિવરફ્રન્ટ ઉપર આઈશા નામની મહિલાએ વીડિયો બનાવ્યા બાદ આત્મહત્યા કરી લેતા લોકો હચમચી ગયા હતા. આઈશાએ પતિના ત્રાસના કારણે આતમહત્યા કરવી પડી હતી. આઈશાના પતિને કોર્ટ સજા ફટકારી છે ત્યારે આજે શુક્રવારે બપોરે આવીજ ઘટનાનું પુનરાવર્તન થતા સ્હેજમાં રહી ગયું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પાસે એક મહિલા દોડતી-દોડતી નદીમાં કૂદવા ગઈ હતી.
અચાનક મહિલા દોડતા આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી, તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા હતા. આ મહિલા કહી રહી હતી કે, તેના લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. દરમિયાન સમગ્ર ઘટના અંગેની રિવરફ્રન્ટ પોલીસને જાણ થતાં રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને મહિલાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી છે. જ્યાં મહિલાનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે
