હાથરસ ના ગેંગરેપ ઘટનાનો વિરોધ કરવા અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરનાર કોંગીજનો ની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, કોંગ્રેસની આ રેલીને મંજૂરી મળી ન હતી, પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો હતો અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી હતી.
બીજી તરફ રેલીમાં ભાગ લેવા આવી પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસના 4 મહિલા કાર્યકર સહિત ધારાસભ્ય શૈલેશ પરમારની પણ અટકાયત કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ તથા નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી. આમ અમદાવાદ માં આ પ્રકરણ દિવસભર ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.
