અમદાવાદના જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોનના રહીશોના જીવનજરુરી ચીજવસ્તુઓ મળ રહે તે માટે ૧૫મી મેથી આ વિસ્તારોમા કરીયાણા અને શાકભાજી જેવી સામગ્રીની ખરીદી કરવાની મંજૂરી અપાશે. બુધવારે રીવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની પાંચમી સમીક્ષા બેઠક મળી હતી. જેમા આ નિર્ણય લેવાયો હતો. જે કે આ વિસ્તારોમા હોલસેલ બજારો ખોલવા પરનો પ્રતિબંધ ચાલુ જ રખાશે એવુ નક્કી કરાયુ છે.
આ અંગે અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યુ કે શહેરના ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર, મણીનગર જેવા ૧૦ વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. પરંતુ ૧૫મીથી એટલે કે આગામી શુક્રવારથી જ આ વિસ્તારોમા કરીયાણુ, શાકભાજી-ફળોની દુકાનોને તેમજ અનાજ દળવાની ઘંટી ખુલ્લી રાખવાની છૂટ અપાશે. ૧૫મીથી સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુધી આવા વિસ્તરોમા કેટલીક સૂચનાઓનુ પાલન કરીને છૂટછાટ અપાયેલી સામગ્રીનુ જ વેચાણ કરી શકાશે.
તેઓએ કહ્યું કે અન્ય આદેશો ન થાય ત્યાં સુધી કાલુપુર, જમાલપુર, રાજનગર માર્કેટ-ઢાલગરવાડ, માણેકચોક જેવા માર્કેટો બંધ રાખવાના રહેશે. જ્યારે છૂટક વેપારીઓએ પણ પોતાને જોઈતી વસ્તુઓ પણ આ જ સમયગાળામાં જ લઈ લેવાની રહેશે. ઉપરાંત ખરીદી કરતી વખતે સામાજીક અંતર જાળવવાનુ રહેશે. રોકડથી ખરીદી વખતે વેપારીને અલગથી ટ્રેમાં પેમેન્ટ આપવાનુ રહેશે. તેમજ રોકડ પરત અલગ ટ્રેમાંથી લેવાની રહેશે.
લોકોએ બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત પહેરવાનુ રહેશે. હેન્ડ ગ્લોવ્ઝ અને કેપ ઉપલબ્ધ હોય તો તે પણ પહેરવાની રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાંથી લોકો અન્ય વિસ્તારોમાં ખરીદી કરવા જઈ શકશે નહીં.
કરિયાણા-શાકભાજીના વેપારીઓએ કઇ બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે?
૧. નિશ્ચિત કરેલા સમય સિવાયના સમયમા વેચાણ કરી શકશે નહી
૨. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો-માલિકો તેમજ કામદારના આરોગ્યની ચકાસણી કરવાની રહેશે. તેમજ હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ સાથે રાખવાના રહેશે.
૩. રોકડ સ્વીકારવાની તથા પરત આપવા માટેની ટ્રે અલગથી રાખવાની રહેશે
૪. દુકાનમા કામ કરતા માલિકો તથા કામદારો તથા ફેરીયાઓએ હેન્ડ ગ્લોવ્ઝ, કેપ, માસ્ક પહેરવાના રહેશે તેમજ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવાનુ રહેશે.
૫. માત્ર છૂટછાટ અપાયેલી ચીજવસ્તુઓનુ વેચાણ કરી શકાશે.
વિજય નેહરા ચાલુ સપ્તાહમાં કમિશનરપદનો હવાલો સંભાળી લે એવી શક્યતા
રાજ્યના અધિક મુખ્ય સચિવ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફ્રજ પરના પદનો હવાલો સંભાળતા ડો. રાજીવ ગુપ્તાની રાહબરી હેઠળ મ્યુનિ. તંત્ર કોરોનાને ખાળવાના કામમાં સતત લાગી રહ્યું છે. આ કામમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરા ચાલુ સપ્તાહના કોઈ પણ દિવસે જોડાઈ જશે એટલે કે પોતાનો ચાર્જ પુનઃ સંભાળી લેશે એવી માહિતી સાંપડી છે.
મ્યુનિ. કમિશનર પદે નેહરા પુનઃ ચાર્જ સંભાળી લેશે તો હાલ મ્યુનિ. કોર્પોરેશનના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા તેમના પદ પર યથાવત્ જ રહેશે. જ્યારે ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમાર તેમની મૂળ જગાએ પરત ફ્રશે. કોરોનાગ્રસ્ત બે દર્દીઓના સંપર્કમાં આવતા નેહરાએ ૧૪ દિવસ સેલ્ફ્ કવોરન્ટાઇન સ્વીકારી લીધું હતું અને એ પછી કોરોનાનો ટેસ્ટ કરાવતા એ ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની ખુદ નેહરાએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું.