અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે તમામ ટિકિટો વેચાઈ ગઈ છે અને અહીં મેચ જોવા આવનાર પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે અઢી વાગ્યા સુધી મેટ્રો સતત દોડતી રહશે આમ મેટ્રો ઉપરાંત બીઆરટીએસની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને એએમટીએસની 91 બસ રાત્રે 1:30 વાગ્યા સુધી દોડાવવામાં આવનાર છે. અહીં આવવા જવા મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે દરમિયાન સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે તે મુજબ સ્ટેડિયમમાં પહોચવા પ્રેક્ષકો આતુર છે.
સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો સાથે સાથે બીઆરટીએસના એલડીથી ઝુંડાલ રૂટ પર તેમજ ઝુંડાલથી નરોડા રૂટ પર રાબેતા મુજબની 45 ઉપરાંત વધારાની 21 બસ દોડાવાશે.
એએમટીએસની રાબેતા મુજબની 10 રૂટની 66 બસ ઉપરાંત વધારાની 25 બસ દોડાવાશે. વાસણા, મણિનગર, ઓઢવ, સીટીએમ, થલતેજ સહિતના વિસ્તારમાંથી 5-5 વધારાની બસ મુકાશે. આજે પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે રમાશે.
આજે બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે.
જનપથથી વિસત ઓએનજીસી થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. બીઆરટીએસની 29 વધુ બસો મુકાશે, સાથે જ તેના રૂટમાં વધારો કરાશે, સાથે મેટ્રોનો પણ સમય રાત્રિના 2:30 વાગ્યા સુધી કરી દેવાયો છે. દર 8થી 10 મિનિટે સ્ટેડિયમથી બસ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે અને આ તકે બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ કરશે જે જોવા માટે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન વડે આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.