અમદાવાદમાં ગેરકાયદે હુકકાબારનો રાફડો ફાટ્યો છે ત્યારે સિંધુ ભવન રોડ પર ચાલતા હુક્કા બાર ઉપર રેડ થયા બાદ હવે ગુજરાત કોલેજ પાસેના TCS હુક્કાબાર પર વિજિલન્સની ટીમે રેડ કરી છે, જ્યાં બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે,વિજિલન્સની તપાસમાં કેટલાક પોલીસવાળાના નામો ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ચર્ચા એવી પણ છે કે અહીં પોલીસકર્મીઓ પણ મહેફિલ માણવા આવતા હોવાની વાત વચ્ચે અહીં કોણ આવતું અને કોની કોની અવર જવર રહેતી હતી એ જાણવા માટે વિજિલન્સ વિભાગે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે.
ગુજરાત કોલેજની બાજુમાં TCS હુક્કાબાર ખૂબ જાણીતો છે. આ હુકા બાર પર અંધારું થતાં જ શહેરના અને અલગ અલગ એજન્સીઓના પોલીસકર્મીઓ હુક્કાની લહેજત માણવા માટે ભેગા થતા હોવાની વાતો ઉઠી રહી છે ત્યારે કથિત રીતે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા આ હુકકાબાર ઉપર વિજિલન્સની રેડ થતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.વિજિલન્સની ટીમે હુક્કાના સેમ્પલ કબજે કર્યા છે અને તપાસ શરૂ કરી છે.
