અમદાવાદ શહેરમાં દેશી દારૂ વેચવા જઇ રહેલા બે ઈસમો ને નડિયાદથી કારચાલક પાસે લિફ્ટ માગવું ભારે પડી ગયું હતું. ચાલુ વરસાદના કારણે એક્સપ્રેસ-વે પર બે મોટા થેલા લઈને ઉભેલા શખસોને ને કારચાલકે પોતાની કાર માં લિફ્ટ તો આપી પણ જેવા તેઓ કાર માં બેઠા કે તરત જ દારૂ ની તીવ્ર વાસ આવતા કાર ચાલક આખી વાત સમજી ગયો હતો અને હાથીજણ સર્કલ આવતા જ વાહન ચેકિંગમાં ઉભેલા પોલીસકર્મીઓને જાણ કરી પકડાવી દીધા હતા. વિવેકાનંદનગર પોલીસે બંને બૂટલેગરોની દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
વિગતો મુજબ મૂળ નડિયાદના ઉમરેઠના રહેવાસી વ્યક્તિ આજે સવારે પોતાના ઘરેથી ગાડી લઈ અમદાવાદ ગોતા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. નડિયાદ એક્સપ્રેસ-વે પર તેઓ પહોંચ્યા ત્યારે વરસાદ ચાલુ હોવાથી બે વ્યક્તિએ હાથ બતાવી લિફ્ટ માગી હતી. જેથી તેઓએ બંનેને ગાડીમાં બેસાડ્યા હતા. તેમની પાસે બે થેલા હતા. ગાડીમાં બેસતા જ દેશી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. જેથી થેલામાં દેશી દારૂ હોવાનું લાગતા જ્યારે તેઓ હાથીજણ સર્કલ પાસે પહોંચ્યા ત્યારે કારચાલકે પોતાની ગાડી સાઈડમાં કરી હતી.
કારચાલકે નીચે ઉતરી અને વાહન ચેકિંગ કરતા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને જાણ કરી હતી કે, ગાડીમાં બેઠેલા બે શખસ પાસે દેશી દારૂનો જથ્થો છે. જેથી પોલીસકર્મીઓએ ગાડીમાં જઈ જોતા બંને થેલામાં તપાસ કરતા દેશી દારૂ મળી આવ્યો હતો. બંનેને પકડી પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતાં તેનું નામ મનોજ તળપદા અને અજય તળપદા (રહે. મામા જટનો ખાર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. બંને પાસેથી કુલ 48 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી અમદાવાદ માં દારૂ કોને સપ્લાય કરી રહ્યા હતા વગરે તપાસ હાથ ધરી છે.
