અમદાવાદ માં બાપ-દીકરા એ કોરોના રીપોર્ટ માટે નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કોર્પોરેશન દ્વારા બનાવેલા ડોમમાં ગયા હતા જ્યાં ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓ ને શંકા રહી જતા બંનેએ 20 મિનિટ પછી ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા ડોમ માં લોલમલોલ ચાલતું હોવાનું બહાર આવ્યુ હતુ.
ઘર માં માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પુત્ર પિતા સાથે ટેસ્ટ કરાવવા ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મોટાપાયે રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યા છે, પરંતુ આ ટેસ્ટની વિશ્વસનીયતા સામે હવે સવાલ ઊભા થઇ રહયા છે.
જો કે, પિતા-પુત્રે 10-15 મિનિટ પછી ઈસનપુર ખાતે મ્યુનિ.એ બનાવેલા ડોમમાં ફરી ટેસ્ટ કરાવ્યો હતો. તેમના આશ્ચર્ય વચ્ચે આ ટેસ્ટમાં બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ કોર્પોરેશન ના જ ડોમ માં વિરોધાભાસી પરિણામો જોવા મળ્યા હતા.
વિગતો મુજબ નારોલના ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ ખાતે રહેતા તપન પૌલના પત્ની સુચિત્રા પૌલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારના એક સભ્યને કોરોના થતાં અન્ય સભ્યો પણ હોમ આઈસોલેશનમાં ગયા હતા. એ પછી તેમના પુત્ર કૌશિક પૌલે ઓફિસ જઈ શકાય તે માટે કોરોનાનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું અને તેમના પિતા પણ સાથે ગયા હતા. શનિવારે સવારે 11.06 કલાકે તેમનું સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને 11.15એ તેમનો રિપોર્ટ પોઝિટિવ આપવામાં આવ્યો હતો.
પિતા-પુત્રને આ રિપોર્ટ પર શંકા જતાં તે દૂર કરવા નજીકમાં ઈસનપુરમાં આવેલા એક અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. અહીં તેમણે 11.25એ સેમ્પલ આપ્યું હતું અને 11.40એ તેમને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં બંને કોરોના નેગેટિવ આવ્યા હતા. રેપિડ ટેસ્ટના બે જુદા જુદા પરિણામ આવતાં આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, આ બાબત અત્યંત ગંભીર છે. જેની તપાસ થવી જોઈએ અને લોકો ની જિંદગી નો સવાલ રહેલો છે આ માટે પગલાં ભરવા માંગ થઈ છે નહીતો લોકો નો વિશ્વાસ ઉઠી જશે.
