આ વર્ષે વિસર્જનના અંતિમ દિવસે આશરે 50,000થી વધુ લોકો દ્વારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા આ વર્ષે જે જગ્યા સ્થળ વિસર્જન કરવામાં આવશે, તેમાંથી 5 હજાર કિલો માટી એકત્રિત કરવામાં આવશે. ગણેશ એસોસિએશન મહોત્સવના પ્રમુખ ગણેશ ક્ષત્રિયના જણાવ્યા અનુસાર આ વર્ષે 80 % લોકોએ ઈકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે, એન તેમાં પણ 300 જેટલાં મોટા પંડાલોમાં સ્થળ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, કે આશરે તમામ જગ્યાએ વિસર્જન થઇ ગયા બાદ 5 હજાર કિલો જેટલી માટી એકત્રિત કરીને સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવશે. આ સામૂહિક વૃક્ષરોપણ શહેરના પૂર્વ વિસ્તારના ખોખરા, અને મણિનગર વિસ્તારમાં કરવામાં આવશે. તદ્દઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમારા એસોસિએશન દ્વારા મોટી સંખ્યામાં તુલસી, લીમડા જેવાના છોડમાં આ તમામ 5 હજાર કિલો જેટલી માટી અંદર નાખીને વૃક્ષારોપણ કરીશું. તેમ જ અંદાજે 1200 જેટલા છોડ વાવવામાં આવશે.
ઇન્દિરાબ્રિજ પાસે પોલીસે વિસર્જન માટે આવતી ટ્રકોને બ્રિજ પર જ અટકાવી હતી જેને પગલે કૃત્રિમ કુંડ સુધી ગણેશજીને લઈ જવા માટે લોકોએ મૂર્તિઓ ઉચકવી પડી હતી. મોટી મૂર્તિઓ સંખ્યા બંધ લોકો ઊંચકીને કુંડ સુધી લઈ ગયા હતા.