અમદાવાદમાં બોગસ વોટિંગ નો મામલો સામે આવતા ચૂંટણી અધિકારીઓ દોડતા થઈ ગયા છે અમદાવાદ માં નરોડામાં આવેલી આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોગસ વોટિંગ ની વાત સામે આવી છે. બુથ અંદરના વ્યક્તિએ વૉટર્સને EVMમાં બટન દબાવવાનું જણાવતા હોવાના ફૂટેજ વાયરલ થતા આ મામલો આવ્યો છે. એક નાગરિકે આ બુથ માં ચાલતી આ પ્રવૃત્તિ ને મોબાઇલ માં કેદ કરી ને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભારે હોબાળો થયો હતો. આ વ્યક્તિ બુથમાં ફરજ બજાવતો હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.કારણ કે મત કુટિર સુધી જઈ પ્રિસાઈડિંગ ઓફિસરે મતદારને આંગળી ચિંધી બટન દબાવવા જણાવતા હોવાનો મામલો બહાર આવ્યો છે.
નરોડામાં હસપુરા ગામના બુથમાં બબાલ થઈ હતી. બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક લોકો એ વિરોધ કર્યો હતો જોકે,પાછળ થી તે વ્યક્તિને નિમણૂક પત્ર અપાતા મામલો થાળે પડ્યો હતો, જુહાપુરામાં એ વન સ્કૂલમાં 16 નંબરના રૂમમાં મશીન બંધ થઈ જતાં 45 મિનિટ જેટલો સમય મતદાન અટક્યું હતું.જે અંગે હોબાળો થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સવારે કેટલીક સોસાયટીમાં અપાયેલી મતદાનની સ્લીપ મુજબ મતદાન મથક ખોટા હોવાથી મતદારો એ ભારે હોબાળો મચાવ્યો હતો.