હાલ માં કોરોના ની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિંઝોલ-વટવા જીઆઇડીસી ફેઝ-2 પાસે અચાનક રેલવે ક્રોસિંગ પાસે ગેસ ગળતર થતા લોકો માં ભારે ગભરાટ ની લાગણી ફેલાઇ ગઇ હતી.આ વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
વટવા તરફની રેલવે કોલોની તથા ગોલ્ડન સ્કૂલની સામે કેમિકલનો ઝેરી ગેસ છૂટતાં આસપાસના રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર અતુલભાઈ પટેલ દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી હતી જે અંગે કોર્પોરેટર અતુલભાઈ પટેલે જણાવ્યું કે, ઝેરી ગેસના લીધે લોકો ઘરમાં પણ શ્વાસ લઈ શકતા ન હતા. કોઈ મોટી હોનારત સર્જાય નહીં તે માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. આ અંગે તાત્કાલિક તપાસ નહીં કરાય તો આગામી દિવસમાં મોટી હોનારત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલ્યુશન બોર્ડ પણ કુંભકર્ણ ની નિદ્રામાં પોઢી ગયું હોય તેમ આવા બેજવાબદાર કંપનીઓ સામે પગલાં ભરવામાં વામણા પુરવાર થતા બેફામ પોલ્યુશન છોડવામાં આવી રહ્યું છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં આ મામલે યોગ્ય કરવા જનતા માં માંગ ઉઠવા પામી છે.
