અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથક માં પીઆઇ એ જનતા ના પ્રશ્નો સાંભળવા અને નાગરિકો ની સેવા માટે સતત 15 કલાક હાજર રહેવા ફરમાન કર્યું છે પરિણામે હવે અમદાવાદ ના ટોટલ 67 પોલીસ સ્ટેશનના પીઆઈએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહી અરજદારોને સાંભળવા પડશે અને અત્યાર સુધી પેટ્રોલિંગ, તપાસ, મીટિંગના અલગ અલગ કારણો બતાવી પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર મળતા નહીં હોવાથી અરજદારો ની ફરિયાદો નો નિકાલ નહિ થતા અરજદારોને પોલીસ કમિશનરને મળવા જવું પડતું હતું. જોકે અરજદારો તેમ જ શહેરીજનોની સમસ્યાઓને પોલીસ સ્ટેશનેથી જ નિકાલ થઇ જાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીઆઈઓને 15 કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
જોકે પોલીસ કમિશનરના આ પ્રજાલક્ષી નિર્ણયથી અરજદારોને હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ અરજદારોની સમસ્યાનો નિકાલ થઇ જશે. જોકે પીઆઈઓ આ નિયમનું પાલન કરે છે કે નહીં તે જોવાની જવાબદારી એસીપી, ડીસીપી તેમજ અધિક પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. અને દરેક પીઆઈ એ હવે થી સવારે હાજર થવાના 9 વાગ્યા ના સમય તથા
રાતે 12 વાગ્યે ઘરે જતા પહેલા કંટ્રોલ રૂમમાં ફરજિયાત જાણ કરવી પડશે
અમદાવાદનાં 48 પોલીસ સ્ટેશનો, ટ્રાફિકના 17 પોલીસ સ્ટેશનો તેમ જ મહિલા ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનોના પીઆઈને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં 15 કલાક હાજર રહેવાનું છે. એટલું જ નહીં સવારે 9 વાગ્યે તેઓ પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમની સરકારી જીપના વાયરલેસ સેટ પરથી કંટ્રોલરૂમમાં જાણ કરવી પડશે તેમ જ રાતે 12 વાગ્યે પોલીસ સ્ટેશન છોડતી વખતે પણ આ જ પ્રમાણે જાણ કરવી પડશે.
પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી, અધિક પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સહિતના તમામ અધિકારીઓની રેગ્યુલર નાઇટ ડ્યૂટી આવે છે, જેમાં તેમણે સવારે 6 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. સવારે 6 વાગ્યે ઘરે જવા નીકળ્યા બાદ પીઆઈ બીજા દિવસે સાંજ સુધી પોલીસ સ્ટેશન આવતા જ નથી, જેથી પોલીસ કમિશનરે તેમને પણ સ્પષ્ટ આદેશ કર્યો છે કે, નાઇટ કરી હોય તો પણ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન આવી જવાનું રહેશે.
એસીપી અને ડીસીપીએ મહિનામાં 2 વખત દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે એસીપી અને ડીસીપીને તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં મહિનામાં 2 વખત સરપ્રાઈઝ ચેકિંગ કરવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. એસીપી અને ડીસીપીની આ વિઝિટની નોંધ તેમની વીકલી ડાયરીમાં પણ કરવામાં આવશે. જોકે જે પીઆઈ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તેમની સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે.
રોજ 50 અરજદાર કમિશનરને રજૂઆત કરવા આવે છે
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રોજ સવારે 11થી 2 વાગ્યા સુધી અરજદારોને મળે છે, જેમાં રોજના 50 અરજદારો તેમને મળવા આવે છે. તેમાંથી મોટા ભાગના અરજદારોની એવી જ ફરિયાદ હોય છે કે પીઆઈ મળતા નથી અને પીએસઓ કે પીઆઈને રાઈટરને મળવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અરજદારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે પીઆઈઓને 15 કલાક પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે. આમ આખા રાજ્ય માં અમદાવાદ ના પોલીસ કમિશનર ની નાગરિકો એ નોંધ લીધી છે અને દરેક શહેર માં આવા પોલીસ કમિશ્નર હોય તો પ્રજા ના કામ અને સુરક્ષા આપોઆપ વધી જાય તેમ છે.
