રાજ્ય માં કોરોના નો રાફડો ફાટ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે તેમાં કેટલીક તો બોલ બચ્ચન પુરવાર થઇ રહ્યુ છે,અમદાવાદ કોરોના નું એપી સેન્ટર બન્યું છે ત્યારે મ્યુનિ.ની ટીમ કામે લાગી છે તેવું બતાવવા માટે ગઇકાલે મ્યુનિ. દ્વારા ઉતાવળે 18 જેટલી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરી છે. જે હોસ્પિટલ પૈકી સેટેલાઇટ હોસ્પિટલને પણ કોરોના હોસ્પિટલની યાદીમાં જાહેર કરવામાં આવી છે અને તેમાં 25 બેડ પણ ઉભા કરી દીધા હોવાનું જાહેર તો કરી દીધું પણ આ જગ્યા એ કોઈજ હોસ્પિટલ નહી હોવાનું બહાર આવતા આવા ખોટા ફેંકમ ફેંક જાહેરાતો ની પોલ ખુલી છે. જોકે જે સ્થળે મનપા એ કાગળ ઉપર હોસ્પિટલ ઉભી કરી બેડ ની વ્યવસ્થા જાહેર કરી ત્યાંતો કોઈ કોમર્શિયલ બિલ્ડીંગ ચણાતું હોય આવડુ મોટું ગપ્પુ બહાર આવતા દેકારો મચી ગયો છે. અહીં આવી કોઇ હોસ્પિટલ જ અસ્તિત્ત્વમાં નથી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ હોસ્પિટલ બે વર્ષ પહેલાં જ બંધ થઇ ગઇ છે. અગાઉ આ સ્થળે 50 બેડની હોસ્પિટલ હતી. હાલ આ સ્થળે કોમર્શિયલ એકમ બંધાઇ રહ્યું છે. પુનિતાનગર પાસે આવી હોસ્પિટલ હતી પરંતુ તેને બંધ થયે લાંબો સમય થઇ ગયો છે. જોકે તેમ છતાં તંત્ર દ્વારા તેને કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી અને બેડ ની વ્યવસ્થા પણ કાગળ ઉપર કરી દેવાતાં ભારે ચકચાર મચી ગઇ છે.
