અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા શાહીબાગમાં અસામાજિક તત્ત્વો બેફામ બની જાહેરમાં રોડ પર નશામાં ધૂત થઈ કાર ચાલકો ને હેરાન કરી મહિલાઓની છેડતી કરી રહ્યા હતા ત્યારે પોલીસ પેટ્રોલિંગ ન હતું કે બચાવવા વાળા જનતા ના રક્ષકો સિવાય કોઈ ન હતું. ત્યાંથી પસાર થતા લોકો એ જ આ પીઘ્ધડો સાથે પંગો લીધો હતો અને લલકાર્યા હતા.
બળિયાલીમડી ચાર રસ્તા પાસે ચારેક શખ્સ નશામાં ધૂત થઈ વાહનચાલકોને રોકી લાતો મારતા હતા.એક કારમાં પસાર થતા દંપતીને રોકી આ યુવકોએ મહિલાની છેડતી કરી વાહનને લાતો મારી હતી. કારમાંથી મહિલાને છાતીના ભાગે અડી છેડતી કરી હતી. અપશબ્દો બોલી હથિયાર બતાવી ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું. દંપતીએ બૂમાબૂમ કરતા મદદે આવેલા સ્થાનિકોએ એક જણાને ઝડપી પોલીસને સોંપ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પણ આ યુવકે મારી સામે ફરિયાદ દાખલ કરો છો? તેમ કહી બાંકડો ઉંચો કરીને દીવાલે માથું પછાડી પ્રિન્ટર તોડી નાખતા આરોપી વિરુદ્ધ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં પકડાયેલા શખ્સનું નામ આકાશ પટણી હતું. પોલીસે આરોપીને ફરિયાદ રૂમમાં બેસાડ્યો હતો. ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી. તે સમયે આરોપી તોફાન મચાવ્યું હતું. પોલીસકર્મી ને મારી સામે ફરિયાદ નોંધો છો? તેમ કહી આરોપીએ પોલીસ સ્ટેશનનું સરકારી પ્રિન્ટર તોડી નાખ્યું અને દીવાલે માથું પછાડી ઇજાઓ કરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત આકાશના સગાને બોલાવી સારવાર અર્થે આરોપીને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
અમદાવાદ માં સમગ્ર પોલીસ દંડ ઉઘરાવવામાં વ્યસ્ત બની જતા સુરક્ષા અને ટ્રાફિક જેવી સમસ્યાઓ ઉભી થઈ છે અને હાલ માં કોરોના માં સરકારે તિજોરી માટે આવક ઉભી કરવા પોલીસ ટાર્ગેટ મુજબ દંડ ઉઘરાવવાના અક્ષેપો વચ્ચે હાલ તો ગુનેગારો બેફામ બન્યા છે.
