આજના કલિયુગ માં કોઈ કોઈનું નથી અને પ્રમાણિક માણસ જ વધુ દુઃખી થતો હોય છે કોઈ દુઃખી માણસ ને જોઈ તેને મદદ કરવાની ભાવના ક્યારેક ખોટો માણસ ભટકાઈ જતા જિંદગી બરબાદ થઈ જતી હોય છે આવોજ કિસ્સો અમદાવાદ માં બન્યો છે તકલીફ માં આવી ગયેલા પડોશી ને મદદ કરવા પોતાની તમામ બચત ઘરેણાં વેચી લાખ્ખો રૂપિયા ની મદદ કર્યા બાદ વાયદા મુજબ જ્યારે પૈસા પરત માંગવા ગયા તો મદદ કરનાર વ્યક્તિ ને પૈસા પરત કરવાને બદલે માર મારી હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી ગઇ છે.
વિગતો મુજબ અમદાવાદ ના શાહપુર નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાને તેમના પડોશમાં રહેતા મનુભાઈ કાપડિયા વચ્ચે સારા સંબંધો હોવાથી એકબીજાના ઘરે અવરજવર રહેતી હતી. દરમિયાન મનુભાઈને આર્થિક તકલીફ ઉભી થતા અશ્વિનભાઈ પાસે 25 લાખની મદદ માગી હતી, જેથી અશ્વિનભાઈએ પોતાની પાસે 25 લાખ ન હોવાથી તેઓ એ રૂ.13.50 લાખની રકમ ઉધાર આપી મનુભાઈને મદદ કરી હતી. જોકે મનુભાઈએ ફરી રકમ માગતાં અશ્વિનભાઈએ પત્નીના દાગીના ગીરવી મૂકી ફરી મદદ કરી હતી. મનુભાઈએ આ રકમ પોતે બેંકની નોકરીમાંથી નિવૃત્ત થશે ત્યારે ચૂકવી દેશે એવી ખાતરી આપી હતી.
બાદમાં મનુભાઈ એપ્રિલ 2020માં નિવૃત્ત થતા હોવાથી અશ્વિનભાઈએ માર્ચ 2020માં તેમને પૈસા પરત ચૂકવવાનું કહ્યું હતું. મનુભાઈને નિવૃત્ત થયે અનેક મહિના વીતી ગયા છતાં પણ તેમણે પૈસા પરત આપ્યા નહિ. મંગળવારે ઘર પાસેથી પસાર થતા મનુભાઈ અને તેમનાં પત્ની ઉષાબેનને અશ્વિનભાઈએ ઊભા રાખી પૈસા ચૂકવવાના વાયદાની તારીખ હોવાથી રકમ પરત માગી હતી. મનુભાઈએ સાંજે અશ્વિનભાઈને ઘરે બોલાવ્યા હતા. સાંજે અશ્વિનભાઈ, પત્ની અને પુત્રી ધર્મિષ્ઠા સાથે મનુભાઈના ઘરે ગયાં હતાં.
આ દરમિયાન મનુભાઈ તેમનાં પત્ની ઉષાબેન, પુત્રીઓ પારુલ, સોનલ અને પુત્ર પરાગ એમ પાંચે જણે અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી તેમને તથા તેમનાં પત્ની અને પુત્રીને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા હતા. મનુભાઈ અને પરાગ બન્ને જણ અશ્વિનભાઈને ગડદાપાટુનો માર મારતાં તેઓ સ્થળ પર પડી ગયા હતા. ઈજાને કારણે અશ્વિનભાઈને છાતીની ડાબી બાજુથી લોહી નીકળવા લાગ્યું હતું. આ બનાવને પગલે ઘરે હાજર અશ્વિનભાઈના બન્ને પુત્ર સ્થળ પર પહોંચ્યા અને તેમને સારવાર માટે ખસેડયા હતા.
આ દરમિયાન અશ્વિનભાઈનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શાહપુર પોલીસે મૃતક અશ્વિનભાઈના પુત્ર દુષ્યંતની ફરિયાદને આધારે આરોપી મનુભાઈ કાપડિયા, તેની પત્ની ઉષાબહેન, પુત્રીઓ સોનલ, પારુલ અને પુત્ર પરાગ વિરુદ્ધ હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
