અમદાવાદ માં પત્ની ને પકોડી ખાવાની ઈચ્છા થઈ અને પતિએ ના પાડી તેમ છતાં પત્ની પોતાના બાળક ને લઈ પતિ ને ઘર માં એકલો મૂકી પકોડી ખાવા ગઈ અને પતિએ ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ હતું.
વિગતો મુજબ અમદાવાદ ના નારોલ વિસ્તારમાં સનરાઈઝ હોટલ પાછળ ઉમંગ ફલેટમાં પુનભાઈ ઉદાભાઈ ખાંટ (ઉ.વ.30) તેમની પત્ની મનીષાબેન અને ચાર વર્ષના દીકરા સાથે રહે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા પુનભાઈને રવિવારે રજા હોઈ પતિ-પત્ની સાથે બેઠા હતા ત્યારે પત્ની મનીષાબેને પકોડી ખાવા જવા પતિને કહ્યું હતું. જો કે તેમણે ઈન્કાર કરતા બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ મનીષાબેન તેમના પુત્રને લઈને પકોડી ખાવા માટે બહાર ગયા હતા. ત્યાંથી અડધો કલાક પછી પાછા ફરતા તેમણે ઘરનો દરવાજો ખટખટાવતા અંદરથી કોઈ જવાબ મળ્યો નહતો. વારંવાર ખટખટાવવા છતાં જવાબ ન મળતા કંઈક અજુગતુ બન્યાની આશંકા લાગતા મનીષાબેને બૂમાબૂમ કરતા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશતા પુનભાઈ રૂમમાં સીલીંગ ફેન સાથે કપડાંની દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમા નજરે પડયા હતા. પુનભાઈને નીચે ઉતારી 108માં ફોન કરી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
