રાજ્ય ના મહા નગર અમદાવાદ માં રાત્રી કરફ્યૂ નો કેટલો અમલ થાય છે તેની પોલ ખોલતા કિસ્સામાં કરફ્યૂ ના સમય માં રાત્રે બે કાર વચ્ચે થયેલી રેસ દરમિયાન એક કાર ફૂટપાથ ઉપર ચડી જતા ત્યાં સુઈ રહેલું શ્રમિક પરિવાર કચડાયું હતું જેમાં એક મહિલા નું મોત થઈ ગયું છે અને ચાર ને ગંભીર ઇજાઓ થઈ હોવાની ચોંકાવનારી ગંભીર ઘટના સામે આવી છે અને રાત્રી કરફ્યૂ માં પોલીસ પેટ્રોલીંગ ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.
અમદાવાદ ના શિવરંજની ચાર રસ્તા નજીક મોડીરાત્રે બનેલી હિટ એંડ રનની ઘટના માં મોડીરાત્રીના પૂરઝડપે પસાર થઈ રહેલી GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કાર ના ચાલકે સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર ફૂટપાથ પર ચડી જતા ત્યાં સુઈ રહેલા ચાર શ્રમિકો ઉપર ફરી વળતા સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઈ ગયું હતું. જ્યારે કાર અડફેટે આવી ગયેલા જતન ભાભોર, વિક્રમ ભાભોર, સુરેખબેન કાલુ અને બાબુભાઈ ભાભોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકોનો સમાવેશ થાય છે. 108 મારફતે ઈજાગ્રસ્ત બાળકોને શેલ્ટર હોમમાં ખસેડી ત્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. અકસ્માતબાદ કાર ચાલક પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી આ સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને કાર ના નંબર ની ડિટેઇલ મેળવી આગળ ની તપાસ શરૂ કરી છે.
ઘટના રાત્રી ના સવા બારથી સાડા બાર વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે અને બે કાર વચ્ચે રેસ જામી હોવાનું નજરે જોનારાઓ નું કહેવું છે જેમાં આઈ ટવેન્ટી કાર અને ક્રેટા કાર ના ચાલકોએ રેસ લગાવી હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે. આટલું જ નહીં આઈ ટવેન્ટી કારમાં ચાર લોકો સવાર હતાં. જે અકસ્માતની ઘટના બાદ અન્ય કારમાં બેસી ભાગી છૂટ્યા હતાં. ત્યારે સવાલ એ થાય છે કે રાત્રી કર્ફ્યુના સમયમાં આ બની તો પોલીસ શું કરી રહી હતી ? અમદાવાદ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે ત્યારે કરફ્યૂ ના સમય માં કેવી રીતે રેસ લાગી તે તપાસ નો વિષય બન્યો છે.
આ ઘટના થી અમદાવાદ જેવા મહાનગર માં કરફ્યૂ નો કેટલો અમલ થાય છે તેની પોલ ખુલી જવા પામી છે.
