અમદાવાદ માં થર્ટી ફસ્ટ ની ઉજવણી નહી થાય અને રાત્રે 9 વાગ્યા બાદ કરફ્યૂ ભંગ કરતા તત્વો ને ઝડપી લેવા અમદાવાદ માં 300 પોઈન્ટ ઉપર 100 પીઆઇ અને 3500 કોન્સેબલ નો જડબેસલાક બંદોબસ્ત હોવાછતાં પણ મોટી લૂંટ નો બનાવ બનતા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો નજીક ત્રણેક ઈસમો એ બે કુરિયરવાળાને માર મારી 1.78 કરોડના સોનાનાં પાર્સલ લૂંટી લઈ બાઈક ઉપર ફરાર થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે.
વિગતો મુજબ સરદારનગરમાં રહેતા મૂળ રાજસ્થાન ના વતની વિદ્યાધર શર્મા અને સુરેશકુમાર ચૌધરી છેલ્લાં બે વર્ષથી જય માતાજી લોજિસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ચલાવે છે અને તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓનાં પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેમની રાજકોટ અને અમદાવાદની કંપનીનાં બબ્બે પાર્સલો ભેગાં કરી એરકાર્ગો ખાતે લાવી અને જે-તે જગ્યાએ પાર્સલો મોકલવાનાં હોય છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે.
દરમિયાનઆ પાર્સલ તેમણે દિલ્હી મોકલવાનાં હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા. ત્યારે કાર્ગો ગેટથી થોડે જ દૂર ત્રણેક ઇસમો બાઇક પર આવ્યા અને વિદ્યાધરભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. ત્યારે ત્યાં કાર્ગોની એક કાર આવતાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. લૂંટ કરનાર બાઇક લઈને એરકાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા. એક પાર્સલમાં 34 લાખના દાગીના હતા, જ્યારે અન્ય બેગમાં 9 અને સાતેક પાર્સલ હતાં. આમ, કુલ 1.78 કરોડના દાગીનાનાં પાર્સલ ત્રણેક શખસો લૂંટી જતાં આ મામલે મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરમાં રૂ. 1.78 કરોડના સોનાનાં પાર્સલનો લૂંટ થતાં શહેરમાં નાઈટ કર્ફ્યૂ અને પોલીસ ચેકિંગ પર સવાલ ઊભા થયા છે. રાતે દરેક જગ્યાએ પોલીસ ચેકિંગ કરતી હોય છે. 30મી અને 31 ડિસેમ્બરના રોજ કડક ચેકિંગના આદેશ છતાં કઈ રીતે લૂંટ થઈ તે સવાલો ઉઠવા પામ્યા છે.