અમદાવાદ શહેરમાં GRDના બોગસ આઈડી બનાવી નોકરી કરતી કરતા જવાનો નું આખું કૌભાંડ બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે અને સુરક્ષા માં કેટલા છીંડા છે તેનો આ એક માત્ર નાનકડો નમૂનો છે. આ મેટર માં અસલાલી પોલીસ કુલ સાત ઈસમો ની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓએ આ આઇ કાર્ડ માત્ર રૂપિયા 15 હજાર માં બનાવી નોકરી માં પણ લાગી ગયા ની ચોંકાવનારી વાત બહાર આવી છે. જોકે, આઇકાર્ડ નંબરના આધારે આખા રેકેટ નો પર્દાફાશ થયો છે અને લાલ દરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસમાં કામ કરતા એક કર્મચારી મારફતે જીઆરડી (ગ્રામ્ય રક્ષક દળ)ના બોગસ કાર્ડ બનાવી આપ્યા હોવાનો ધડાકો થયો છે.
વિગતો મુજબ અમદાવાદ જિલ્લામાં GRDના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાલુસિંહ ચૌહાણે અસલાલી પોલીસ સ્ટેશનમાં સુનિલ પરમાર, વિશાલ પરમાર, હાર્દિક પરમાર, મહેશ પરમાર, જશવંત મકવાણા, મનીષ પ્રજાપતિ, જીતુ અને અમિત રાવલ વિરુદ્ધ ફરિયાદ કરતા હવે આખો મામલો તપાસ હેઠળ આવી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જાલુસિંહ ચૌહાણ પાંચમી જુલાઇના રોજ બળિયાદેવના મંદિર રવિવારના મેળાનો બંદોબસ્ત હોવાથી GRD જવાનોને ચેક કરવા ગયા હતા. આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવતા કેટલાક GRDના જવાનો બોગસ કાર્ડ ધરાવે છે અને તે માહિતી ના આધારે નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં નીકળીને GRDના યુનિફોર્મમાં હાજર ચાર શંકાસ્પદ ઈસમો ની પૂછપરછ કરી આઇ કાર્ડ તપાસતા કાર્ડ બનાવટી હોવાનું જણાયું હતું.
આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા હોવાની હકીકત ખુલી હતી.
આ અમિત રાવલ અગાઉ લાલ દરવાજા ગ્રામ્ય રક્ષક દળની ઓફિસમાં નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.
આખી વાત માં નંબરને સર્વિસ બુકમાં ચેક કરતા અન્યનો નંબર હોવાનો ખુલાસો થતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું.
જે નંબર આઈ કાર્ડમાં લખવામાં આવ્યો છે તે અસલાલીમાં ફરજ બજાવતા જીઆરડીના જવાનોનો નહીં, પરંતુ સાણંદ તેમજ ધોળકા જિલ્લાના GRD જવાનનો હોવાનું જાણવા મળ્યું હતું. નંબરને સર્વિસ બુકમાં ચેક કરતા તે અન્ય લોકોને ફાળવેલા હોવાનું સામે આવ્યુ છે. અમિત રાવલ અને અન્ય બે આરોપીઓએ અત્યારસુધીમાં અનેક લોકોને જીઆરડીના બનાવટી કાર્ડ બનાવીને આપ્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલતા આરોપીઓ ની ધરપકડ કરીને અન્ય કેટલા લોકોને આવા કાર્ડ આપ્યા છે તેની તપાસ ચાલુ કરવામાં આવી છે.