અમદાવાદ માં કોરોના વાયરસ પ્રસરી ચુક્યો છે અને હવે નવા વિસ્તારોમાં ઝડપ વધારી છે તેમ હવે શહેર ના
ઈસનપુર, નરોડા, રાણીપ, ઓઢવ, મોટેરામાં કોરોના પ્રસર્યો છે.શહેરમાં કોરોનાના વધુ 39 પોઝેટિવ કેસ નોંધાયા હતા. ઘોડાસર, કાલુપુર અને વટવાના ત્રણ દર્દીના મોત થયા હતા. અત્યારસુધી કરોનાનો મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 282 થઈ છે. બે પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ઈસનપુર, નરોડા, રાણીપ, ઓઢવ, મોટેરા વિસ્તારમાં પ્રથમવાર વાર પોઝિટિવ કેસ મળ્યા છે. મણિનગરની ગિરિવર સોસાયટીમાં એક જ પરિવાર અને પાડોશમાં રહેતા કુલ 4 વ્યક્તિ પણ પોઝીટીવ આવ્યા છે. નવા પોઝિટિવ કેસમાં 4 અને 7 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. નારણપુરાના નિર્મલ એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના માતા, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
76 વર્ષના વૃદ્ધનું એસવીપીમાં મૃત્યુ, બે દિવસથી વેન્ટિલેટર પર રખાયા હતા
76 વર્ષના વૃદ્ધને તાવ અને શ્વાસમાં તકલીફની ફરિયાદ સાથે બે દિવસ પહેલાં એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમને આઈફ્લો ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો. ટેસ્ટ પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
75 વર્ષના વૃદ્ધની આંતરરાજ્ય પ્રવાસની કોઈ હિસ્ટ્રી ન હતી કે તેમણે કોઇ સી-ફૂડ માર્કેટની મુલાકાત પણ લીધી ન હતી. તેઓ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની જાણ નથી. તેમને બે અઠવાડિયા પહેલાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. 7 એપ્રિલે શ્વાસમાં તકલીફ ઊભી થતાં એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો રિપોર્ટ 8 એપ્રિલે પોઝિટિવ આવ્યો હતો. એ પછી દર્દીને એસવીપીમાં ટ્રાન્સફર કરાયા હતા.
વટવાના સર્જરી નગર ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધાનું સિવિલમાં મૃત્યુ થયું હતું. દાખલ થયાના 12 જ કલાકમાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થાય તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. તાવ અને શ્વાસની બીમારીની તકલીફ સાથે દાખલ થયા હતા.
કાલુપુરમાં ફરજ બજાવતા પોલીસ જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ
બાપુનગર પોલીસ ચોકી નજીકના ફ્લેટમાં રહેતા 26 વર્ષીય કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસથી તેમની ફરજનું સ્થળ કાલુપુર વિસ્તાર હતું. કાલુપુર હોટસ્પોટ તરીકે જાહેર થયેલું છે. અહીં ફરજ દરમિયાન તેમને શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેથી તેમનું સેમ્પલ લેવાયું હતું. દરમિયાનમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 26 લોકોને ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા છે. જેમાં 12 પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદ માં ખુબજ ઝડપ થી સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના ની ઝડપ જોતા અમદાવાદ ત્રીજા સ્ટેજ ઉપર હોટસ્પોટ માં સ્થાન પામ્યું છે અહીં દર કલાકે કેસ વધતા હોવાનું સામે આવી રહ્યું છે.
