કોરોના નો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો હોય તેમ હવે અમદાવાદ માં સરકારી ઓફિસોમાં કોરોના પ્રસરી રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. AMC મુખ્ય ઓફિસમાં આવેલા વિવિધ વિભાગોમાં કામ કરતા કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે, જ્યારે પોલીસ વિભાગ માં કોરોનાનું સંક્રમણ વધતા અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે. IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હવે સરકારી ઓફિસોમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં કોરોના ફેલાયો છે. સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું મોત થયું છે. AMC ઓફિસમાં કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને દિવાળી ઉપર જ કોરોના ની જોખમ વધતા આરોગ્ય વિભાગ માં ભારે ચિંતા જોવા મળી રહી છે.
વિગતો મુજબ સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનામાં સારવાર દરમિયાન મોત થયું છે. ચીફ ઓડિટર ઓફિસ, પ્લાનિંગ, રોડ પ્રોજેક્ટ, પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ વિભાગના કર્મચારીઓ બાદ હવે વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. કોરોનાને કારણે દિવાળીનો તહેવારમાં હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. કોરોનામાં ઇમર્જન્સી અને કોરોનાની કામગીરી પર અસર ન પડે એના માટે બે વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
શહેરના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 51 કર્મચારી કોરોના વાઈરસમાં સપડાયા છે. શહેરના DIG પ્રેમવીર સિંહ, DCP ઝોન-6 અશોક મુનિયા, એમ ડિવિઝન એસીપી વી.જી.પટેલ, એ ડિવિઝન એસીપી એલ.બી.ઝાલા, પીઆઈ આર.જી.દેસાઈ, એમ.બી.બારડ, જે.કે.રાઠોડ સહિત કુલ 51 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હોવાની વિગતો જાણવા મળી છે, કોરોના ની રી એન્ટ્રી ને લઈ સરકારી બાબુઓ અને પોલીસ ડીપાર્ટમેન્ટ માં કામ કરતા પોલીસ જવાનો ના આરોગ્ય સામે જોખમ ઉભું થતા આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી ગઈ છે.
