આપણા દેશ ની ખાસિયત છે કે જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે જ ખબર પડે કે આતો ગેરકાયદે ચાલતું હતું તે પહેલાં કોઈ ને ખબર જ ન પડે કે જે ધંધો ચાલી રહ્યો છે તેં કાયદેસર છે કે ગેરકાયદેસર ?
અમદાવાદ ના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ થયો અને 12 ના મોત થયા ત્યારે ખબર પડી કે ભાઈ આતો ગેરકાયદે ફેક્ટરી ચાલતી હતી અને તે પણ કેમિકલ ની…..આ પહેલા જીપીસીબી સહિત ના સબંધિત વિભાગ ના ખાતાઓ ના સાહેબો શુ ઊંઘતા હતા ? હવે દુર્ઘટના થઈ એટલે આ મામલે આજે FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી છે અને કેમિકલ ફેકટરીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો અને ક્યાં ક્યાં કેમિકલ હતાં એ અંગેની તેણે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે પોલીસબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે GPCB અને રાજ્ય સરકારની તપાસ કમિટીના સભ્યો ઘટનાસ્થળે મુલાકાત લે એવી પણ શક્યતા છે.
હાલમાં ઘટનાસ્થળથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે જેસીબી મશીનોની મદદથી સમગ્ર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ અને ઇથેનોલ-મિથેનોલ જેવાં બેથી ત્રણ કેમિકલ વાપરી કેટાલિસ્ટ બનાવાતો હતો, જેમાં આ કેમિકલ વપરાતું હતું. ઘટના મામલે હાલમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવશે. કંપનીનું ગોડાઉન બિટુ ભરવાડ નામની વ્યક્તિનું છે અને હિતેશ સૂતરિયા નામની વ્યક્તિએ ભાડે રાખ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને FSLના અભિપ્રાય બાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે. કેમિકલ ક્યાંથી લાવતો હતો, એની પાસે લાઇસન્સ હતું કે કેમ તેમજ એને સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા હતી કે કેમ, તમામ પાસા પર તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી થશે. હિતેશ સૂતરિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના માં 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં છે. આમ દિવાળી પહેલા જ મૃતકો ના પરિવાર માં શોક અને દુઃખની લાગણી પ્રસરી ગઈ છે.
