રાજ્ય ના વિકાસશીલ ગણાતા અમદાવાદ માટે એક તરફ વિકાસ ની વાતો કરવામાં આવી રહી છે અને હવે તો AMTS બસ સ્ટેન્ડ માં પણ હેલ્મેટ પહેરવું પડે તેવી સ્થિતિ છે કારણ કે ઉપર થી ક્યારે શુ પડે અને માથું ફૂટે તે કહી શકાય નહીં.
અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર આવેલા AMTSના બસ સ્ટેન્ડ નો કેટલોક ભાગ એકાએક તૂટી પડતા નીચે ઊભેલો એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાને લઈ લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
આજે બુધવારે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પર આવેલા AMTSના બસ સ્ટેન્ડમાં તંત્ર ની બેદરકારીના કારણે બસ સ્ટેન્ડનો જર્જરીત લોખંડનો ભાગ સમય પર દૂર ન કરવામાં આવતા તેનો ભોગ એક નાગરિક બન્યો હતો. યુવકના માથા પર બસ સ્ટેન્ડનો કાટમાળ પડતા તેના માથા માં ઈજા પહોંચી હતી.
એક તરફ વિકાસ ના મોટા બણગાં ફૂંકવામાં આવી રહયા છે અને બીજી તરફ જર્જરિત થઈ ગયેલા બસ સ્ટેન્ડ તરફ કોઈ નું ધ્યાન જતું નથી ત્યારે લોકો કહેતા સાંભળવા મળ્યા હતા કે હેલ્મેટ પહેરી ને બસ સ્ટેન્ડ માં ઉભા રહેવાના દિવસો આવ્યા છે.
