અમદાવાદમાં વોડાફોન ની ઓફીસ માંથી રૂ. 19 લાખ ની કિંમત ના 76 લેપટોપ ની ચોરી થતા ભારે ચકચાર મચી ગઇ છે.
અહીં ના SG હાઈવે પર સ્થિત વોડાફોન હાઉસમાં લેપટોપની ચોરીનો બનાવ સામે આવ્યો છે.
નવાઈ ની વાત તો એ છે કે અહીં CCTV કેમેરા અને સિક્યોરિટી હોવા છતાં વોડાફોન હાઉસમાંથી 76 લેપટોપની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ ઘટના અંગે સરખેજ પોલીસે ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી છે.
વિગતો મુજબ અમદાવાદ વોડાફોન હાઉસમાં લૉકડાઉન દરમિયાન કંપનીએ કામ કરતા કર્મચારીઓ માટે લેપટોપ ખરીદ્યાં હતાં. કંપનીમાં કામ કરતા કર્મચારી પોતાને ફાળવેલા લેપટોપ પર જ કામ કરવાનું હોય છે. કંપનીએ માર્ચ 2020થી ઓકટોબર 2020 સુધીમાં કુલ 1074 લેપટોપ અહીંના કર્મચારીઓ માટે નવાં ખરીદવામાં આવ્યાં હતાં. વર્ષના અંતે કંપનીમાં લેપટોપના સ્ટોકની ગણતરી થઈ તો 76 લેપટોપ ઓછાં હતાં. જેથી કંપનીના મેનેજમેન્ટને એવી શંકા ગઈ કે કોઈ કર્મચારીએ જ અહીં લેપટોપની ચોરી કરી છે. કંપની તરફથી તમામ કર્મચારીની પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈ જાણકારી મળી નહિ જેથી આખરે કંપનીના મેનેજરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વોડાફોન હાઉસમાં કામ કરતા કર્મચારીઓને પોતાના ઓળખ વગર પ્રવેશ મળતો ન હતો અને આ દરમિયાન લેપટોપ ચોરાયાં, તેથી કોઈ જાણીતી વ્યક્તિએ જ ચોર્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
