આજે મહિલા દિવસ છે અને મહિલાઓ ની સુરક્ષા માટે સરકારે નિર્ણય લીધો છે જેમાં અમદાવાદ માં સાબરમતી નદી માં કૂદી ને આત્મહત્યા કરવાના વધેલા બનાવો રોકવા હવે રાજ્ય સરકાર અને પોલીસે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષા માટે તૈયારીઓ શરૂ કરી છે. અહીં કોઈ પણ વ્યક્તિ નદીમાં કૂદે તો બચાવવા માટે સ્પીડબોટ, રિવર ફ્રન્ટના વોક વે પર 15 સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટથી મહિલા પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે. 13 કિમીના રિવરફ્રન્ટ પર બંને બાજુ દર સવા કિમીના અંતરે 1 પોલીસ ચોકી કાર્યરત રહેશે. નોંધનીય છે કે આયેશા નામની પરણીતા એ જે રીતે નદીમાં કૂદી આત્મહત્યા કરી અને તે અગાઉ વિડીયો બનાવ્યો તે સૌ કોઈ ને હચમચાવી ગયો હતો એક મહિલા ની વેદના તેમાં છલકાય છે ત્યારે અન્ય કોઈ આવું પગલું ન ભરે તે માટે પોલીસ અને સરકાર એલર્ટ થઈ ગઈ છે અહીં છેલ્લા 2 વર્ષમાં નદીમાં 31 મહિલાઓ એ નદીમાં છલાંગ લગાવી છે. રિવરફ્રન્ટ પર છેલ્લા કેટલાક સમય થી યુવતી-મહિલાઓની છેડતીના બનાવો પણ વધતા રાજ્ય સરકારે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાના ભાગરૂપે 13 કિમી લાંબા નદીપટમાં બંને બાજુ મળી 20 પોલીસ ચોકી બનાવશે અને 13 કિમી લાંબા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બંને તરફ 250 કરતાં પણ વધુ ખાસ પ્રકાર ની ટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા લગાવાશે. આ કેમેરા ફેસ સ્કેનિંગવાળા હશે. તમામ કેમેરાનું મોનિટરિંગ રિવરફ્રન્ટ પરની જ પોલીસ ચોકીમાંથી થશે. જેના આધારે કોઇ વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમની મોનિટરિંગ સિસ્ટમમાં નખાશે તો તે રિવરફ્રન્ટ ઉપર આવ્યો હશે તો તેનું લોકેશન કેમેરા શોધી કાઢશે.
હાલમાં રિવરફ્રન્ટ ઉપર 1 સ્પીડ બોટ છે. જેની મદદથી નદીમાં ડુબી રહેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જો કે નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે. જેમાં ડુબતા વ્યક્તિને બચાવવા માટે તરવૈયાઓની સાથે પોલીસ કર્મચારીઓ પણ તહેનાત રહેશે.
હાલમાં અમદાવાદમાં 1 સાઈબર પોલીસ સ્ટેશન છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા થતી મહિલાઓની છેડતીની ઘટનાઓમાં મહિલા પોલીસ દ્વારા તપાસ થઇ શકે તે માટે 2 નવા સાઈબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. મહિલાઓને લગતા સાઈબરના ગુનાની ફરિયાદ નોંધવાનું અને ગુના શોધવાનું કામ ફકત મહિલા પોલીસ જ કરશે.
એટલું જ નહીં પણ મહિલાઓ ની સુરક્ષા માટે અમદાવાદની તમામ ટેક્સી – કેબ તેમજ રિક્ષાઓ ઉપર પોલીસ કયુઆર કોડ મૂકશે અને રેકોર્ડ પોલીસ કંટ્રોલ રૂમ પાસે રહેશે. આ સાથે શહેર પોલીસ એક વેબ સાઈટ લોન્ચ કરશે. જે મહિલાએ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. જ્યારે મહિલા પેસેન્જર ટેક્સી, કેબ, રિક્ષામાં બેસે તે પહેલાં મોબાઈલ ફોનમાં કયુઆર કોડ સ્કેન કરશે તો તે મહિલા કયા વાહનમાં ક્યાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા -બેઠા જાણી શકશે. આમ મહિલા દિવસે જ અમદાવાદ માં મહિલાઓ ની સુરક્ષા માટે સરસ નિર્ણય લેવામાં આવ્યો છે.