સરકારી ફિલ્ડ માં કામ કરતા કર્મચારીઓ માટે ખુશી ના સમાચાર એ છે કે ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને હવે ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે મળશે. જે કર્મચારીઓનો સાતમા પગારપંચના પે મેટ્રીક્સ પ્રમાણે બેઝિક પગાર માસિક રૂપિયા 50,500 કે તેથી વધુ હશે તેમને આ લાભ મળશે. કર્મચારીઓને આ એડવાન્સ 10 ટકાના ફિક્સ વ્યાજે મળશે અને તેનું ચૂકવણું દસ વર્ષમાં કરી શકાશે.
એડવાન્સની રકમ ગાડીની ઓન રોડ કિમત અથવા દસ લાખ રૂપિયામાંથી જે રકમ ઓછી હોય તે આપશે. અગાઉ સરકાર ગાડી લેવા માટે કર્મચારીઓને પાંચ લાખ રૂપિયાનું એડવાન્સ આપતી હતી પરંતુ સરકારે નોંધ્યું કે વાહનોની કિમતમાં થયેલો વધારો અને સરકારી કર્મચારીઓના પગારધોરણમાં પણ વધારો થયો હોવાથી એડવાન્સની રકમ વધારી શકાય.
આ ઉપરાંત જે કર્મચારીઓનો બેઝિક પગાર રૂપિયા 22,400 કે તેથી વધુ હોય તેમને દ્વિચક્રી વાહન ખરીદવા માટે 75,000 રૂપિયા એડવાન્સ પેટે મળશે જેનું વ્યાજ 9 ટકા રહેશે અને તેની ભરપાઇ સાત વર્ષમાં કરવાની રહેશે. આ ઉપરાંત દિવ્યાંગ કર્મચારીઓને પણ સ્પેશિયલ વ્હિકલ માટે જરૂરી મોડિફિકેશન સાથે લાગુ કીમતને ધ્યાને રાખી વાહન પેશગી અપાશે. પતિ-પત્ની બન્ને સરકારી નોકરી કરતા હોય તો તેઓ બન્ને અલગ-અલગ રીતે વાહન માટે પેશગી મેળવવા પાત્ર ગણાશે.જ્યાં સુધી સરકાર વ્યાજના ધોરણમાં કોઇ બદલાવ ન કરે ત્યાં સુધી ફિક્સ વ્યાજદર અનુસાર આ એડવાન્સ લોન ભરવાની રહેશે અને કોઇપણ સરકારી કર્મચારી પોતાની નોકરી દરમિયાન બે વાર આ એડવાન્સ લઇ શકશે. આમ સરકારી બાબુઓ ને આ ફાયદો મળી શકશે જોકે અન્ય ખાનગી અને સામાન્ય પ્રજા માટે સરકાર દ્વારા કોઈ સ્કીમ નથી.
