કોરોના હાહાકાર મચાવી રહયો છે અને ભારત ના લગભગ રાજ્યો ના મુખ્યમંત્રીઓ એપ્રિલના અંત સુધી લૉકડાઉન અમલી રહે તેવો પોતાનો મત રજૂ કર્યો છે ત્યારે PM પણ આ મુજબની જાહેરાત કરે તેવું મનાય રહયુ છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની તંગી ન પડે અને અર્થતંત્ર ને પણ અસર ન થાય તે રીતે ધીરે ધીરે અલગ અલગ ક્ષેત્રોમાં લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવાનો વ્યૂહ અપનાવી સરકારે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને તેની સત્તાવાર જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવનાર છે. આ બધા વચ્ચે આજથી જે વિસ્તાર માં કોરોના નો કેસ નથી નોંધાયા તેવા વિસ્તારમાં પણ રેન્ડમ ટેસ્ટિંગ થાય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. સરકારે આર્થિક પાસા ને ધ્યાને લઇ પ્રથમ માછીમારો માટે છૂટ આપવાનો નિર્ણય શનિવારે જ જાહેર કરીને તેમને દરિયામાં જવા માટેની છૂટ આપી છે. હવે પછીના તબક્કામાં આવતા સપ્તાહે એપીએમસી બજારો અને ત્યાર પછીના સપ્તાહમાં ઉદ્યોગોને આ માટે છૂટછાટ આપવામાં આવશે. આ માટે ઉદ્યોગગૃહોને તેવા સંજોગોમાં જ છૂટછાટ આપવામાં આવશે કે જેમાં તેઓ પોતાના કારીગરો તથા કર્મચારીઓને પોતાના યુનિટમાં કે તેનાથી ખૂબ નજીકના સ્થળે રહેવાની તથા અન્ય પાયારૂપ સુવિધાઓ ઊભી કરી આપે. એવાં વ્યાવસાયિક કે ઔદ્યોગિક એકમો કે જેમાં કર્મચારીઓને દૂરના સ્થળેથી આવવું-જવું પડે તેમને આ માટે છૂટ આપવામાં આવશે નહીં. ઉપરાંત છૂટ અપાયાં પછી પણ એપીએમસી અને ઉદ્યોગગૃહોએ પોતાના એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાની બાંહેધરી આપવાની રહેશે. જો તેમાં ભંગ થયેલો જણાશે તો સંચાલકો સામે પગલાં લેવાઈ શકે છે. આ ઉપરાંત આવા એકમો પોતાના કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટ સુવિધા પણ શરૂ નહીં કરી શકે. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં શહેરોમાં અમુક જરૂરી સેવાઓને લગતાં વ્યાવસાયિક એકમોને અમુક કલાકો માટે ખુલ્લા રાખવાની છૂટછાટ મળી શકે છે અને અહીં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
કેસ નથી નોંધાયા ત્યાં પણ ટેસ્ટ થશે
અમદાવાદ શહેરમાં પણ હવે રેન્ડમ ટેસ્ટ કરવાનું નક્કી કરાયું હોવાથી ક્લસ્ટર બહારના વિસ્તારો કે જ્યાં કેસ નોંધાયા નથી ત્યાં પણ રવિવારથી રેન્ડમ ટેસ્ટ શરુ થશે અને આ માટે અમદાવાદ મહાનગર પાલિકાને સૂચના આપી દેવાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.
સરકારે અગાઉ નક્કી કર્યા પ્રમાણે જે વિસ્તારો અથવા જિલ્લાઓમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ નોંધાયા નથી ત્યાં લૉકડાઉન હળવો કરવો તેવું વિચાર્યું હતું, પરંતુ હવે અમદાવાદ અને વડોદરા, સુરત , ભાવનગર માં નવા વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસ નોંધાતાં કોરોના નું સંકટ વધ્યું છે.
ઉપરાંત હવે જે જિલ્લામાં કેસ નથી નોંધાયા ત્યાં પણ લોકોના રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થવાના હોવાથી ત્યાં પણ લૉકડાઉન ખોલવામાં આવે તો આ કામગીરી માં અવરોધ આવે તેમ જણાતા લૉકડાઉન હળવું કરાય તો લોકોની અવરજવર વધતાં સાઇલન્ટ કેરિયર દ્વારા કોરોના ની ઝડપ વધી શકે તેવું જણાય રહ્યું છે ત્યારે જેપણ નિર્ણય લેવાશે તે એક બે દિવસ માં જાહેરાત થાય તેવું કહેવાય છે.
