સમગ્ર દેશ માં કોરોના વાયરસ થી અત્યંત પ્રભાવિત હોટસ્પોટ શહેરો એવા અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ અત્યંત ગંભીર ગણાવી છે અને કાબુ બહાર જાય તે પહેલાં ત્વરીત પગલાં ભરવા સરકાર ગંભીર બની છે અને આ સ્થિતિ પર નજર અને સોલ્યુશનમાટે ગૃહ મંત્રાલયે નવી 4 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ રચી છે જે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી સત્તા આપવામાં આવી છે. આ ટીમો પૈકી બે ટીમ ગુજરાત આવશે જ્યારે એક-એક ટીમ તેલંગાણા અને તમિલનાડુ જશે. અગાઉ મુંબઇ-પૂણે મોકલાયેલી ટીમને થાણેની પણ જવાબદારી સોંપાઇ છે. આ ટીમો લૉકડાઉનની કડકાઇ, જીવનજરૂરી ચીજોનો સપ્લાય, સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વાસ્થ્ય માળખાની તૈયારી, સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા તથા ગરીબો માટે બનાવાયેલી રાહત શિબિરોની દેખરેખ બાદ રાજ્યોને નિર્દેશ આપશે તથા કેન્દ્રને પણ રિપોર્ટ સોંપશે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના ઘણા ભાગોમાં લૉકડાઉનના ભંગની ઘટનાઓએ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી દીધું છે, જેનાથી ચેપ પણ ફેલાઇ શકે છે. હોટસ્પોટ્સમાં લૉકડાઉનનો ભંગ બેરોકટોક ચાલુ રહેવો ખતરનાક છે. નોંધનીય છે કે અગાઉ 6 કેન્દ્રીય ટીમ ઇન્દોર, મુંબઇ, પૂણે, જયપુર અને કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના 7 જિલ્લામાં મોકલાઇ હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી અપાતી છૂટછાટને રદ્દ કરી આ વિસ્તારમાં ટીમને વધુ કડક પગલાં લેવાની સત્તા અપાઈ છે અને તેમાં રાજ્ય સરકાર પોતાની રીતે કોઈ સુધારો નહીં કરી શકે. તેથી શક્ય છે કે આ વિસ્તારમાં લૉકડાઉન 3 મે પછી પણ ચાલુ રહેશે અને હજુ પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. આ ટીમ કેસોની સંખ્યા તથા મૃતકાંક ઘટાડવા તમામ પગલાં ઘડશે. જેમાં લૉકડાઉન તથા કન્ટેનમેન્ટ નિયમોનું પાલન, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન, બહાર ફરતા કે એકઠા થતા લોકો પર નિયંત્રણ, સરકારી સ્ટાફ અને કોરોના વોરિયર્સ સામેના અત્યાચાર, સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ ઉપરાંત પીપીઇ કીટ, ટેસ્ટ કીટ, વેન્ટિલેટર, હોસ્પિટલ અને અન્ય સુવિધાની દેખરેખ રાખશે. આમ કોરોના ની ખતરનાક સ્થિતિ સામે લડવા સરકારે એક્શન પ્લાન બનાવી આ ટીમો ને વેશેષ સત્તા આપવામાં આવી છે જેથી કોઈ નિર્ણય લેવામાં કોઈને પૂછવું ન પડે અને જાતેજ સ્થિતિ મુજબ કામ કરી શકે.
