વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ખુબજ આસાની થી એક બુકી પોલીસ ની જ સરકારી ગાડી માં બેસી ફિલ્મી ઢબે સ્ટેડિયમ માં ઘૂસે છે અને સટ્ટો પણ રમે છે પણ ડીસીપી સ્ક્વોડ ના ધ્યાને આવતા આ મહાશય ઝડપાઇ ગયો છે. અગાઉ ભારત- ઇંગ્લેન્ડ મેચ વચ્ચે ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં મેચ પર સટ્ટો રમતો શખસ મજૂરનો પાસ લઈ ઘૂસી ગયો હતો. ત્યારે ફરી એકવાર IPL મેચ દરમિયાન મોટેરા ખાતે સ્ટેડિયમમાં પોલીસ ની જીપ માં બેસીને બુકી ઘૂસતા ભારે ચકચાર મચી છે.
ઝોન 2 ડીસીપી સ્ક્વોડે આરોપીને 108 ફાયરબ્રિગેડના પ્રવેશવાના દરવાજા પાસે બે મોબાઈલ પર સટ્ટો રમતા પકડ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે આરોપીની વિગતે પૂછપરછ કરતા IBમાં ફરજ બજાવતાં PSIની સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની ચેકિંગ થી બચી આરોપી સ્ટેડિયમ સુધી પહોચી ગયો હતો.
મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચને લઈ ચાંદખેડા પોલીસ અને ઝોન 2 ડીસીપી સ્ક્વોડનો હાલ પોલીસ બંદોબસ્ત છે. પોલીસે સ્ટેડિયમમાં ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સના પ્રવેશવાના દરવાજેથી એક શખસ પાર્થ કંસારા (રહે. રાયકાનગર, જૂનાગઢ)ને બે મોબાઈલ સાથે પકડી લીધો હતો. બંને મોબાઈલ ચેક કરતાં ગોતાના નિતેશ લીંબચીયા અને છોટુ મારવાડી (રહે. રાજસ્થાન)ના કોન્ટેકમાં રહી ફોન પર ઓનલાઇન સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત નિતેશ લીંબચીયા મારફતે IB PSI કિશન રાઓલનો સંપર્ક કર્યો હતો અને તા. 26 એપ્રિલના રોજ PSIની સરકારી ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયા હતા. જ્યારે 27મી એપ્રિલે પણ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ થઈ અને સ્ટેડિયમમાં ગયા હતા. નિતેશે PSI સાથે સરકારી ગાડી માં સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોય પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે આ મેટર ને લઈ પોલીસ બેડા માં ભારે ચર્ચા ઉઠવા પામી છે.