જમાનો બદલાયો છે નવી ટેકનોલોજી આવતા હવે નવી પેઢી સ્માર્ટ બની છે અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલ થી ચાલતા વાહનો હવે જુના જમાના ના ગણાવાની શરૂઆત થઈ ચૂકી છે હવે જમાનો આધુનિક ઇલેક્ટ્રોનિક કાર નો આવી ગયો છે જોકે,શરૂઆત માં આ કાર મોંઘી જરૂર છે પણ જૂની કાર માં પણ ઇલેક્ટ્રિક કીટ ફિટ થતી હોવાનો પણ હવે ઓપ્સન આવી ગયો છે.
આ બધા વચ્ચે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારને પ્રદૂષણમુક્ત બનાવવાના અભિયાન હેઠળ એરપોર્ટ મેનેજમેન્ટે આગામી દિવસોમાં એરપોર્ટથી ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ કરશે, ફેબ્રુઆરીના અંત સુધીમાં એરપોર્ટ પરથી ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ થઈ જશે.
વધુમાં એરપોર્ટ પર આવતા પેસેન્જરો દ્વારકા સોમનાથ, કેવડિયા સહિત અન્ય શહેરોમાં જવા માટે આ ઈલેક્ટ્રિક કારનું બુકિંગ કરાવી શકશે. પ્રથમ તબક્કામાં કંપની દ્વારા 10 કાર મુકવામાં આવશે અને ત્યારબાદ આ સંખ્યા વધારીને 25 કરાશે.
એરપોર્ટ મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની સાથે પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય માટે સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. એરપોર્ટ મેનેજમેન્ટે એરપોર્ટ પરથી ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ શરૂ થાય તે માટે પ્રયત્ન શરૂ કર્યો છે. હાલ અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પરથી આ ઈલેક્ટ્રિક કારનું સંચાલન શરૂ કરાશે. આ માટે ટર્મિનલ પર અલગથી પ્રિ-પેઈડ બુથ પણ શરૂ કરવામાં આવશે.
એરપોર્ટ પરથી ફ્લાઈટ ઓપરેટ કરતી કંપનીઓ સ્પાઈસ જેટ, ગોફર્સ્ટ, ઈન્ડિગો સહિત અન્ય એરલાઈન્સ દ્વારા તેમના ક્રૂમેમ્બર્સને એરપોર્ટ પર લાવવા તેમજ લઈ જવા માટે કારનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઈંધણના ભાવ વધવાની સાથે હવે તેઓ પણ ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે અને ઈલેક્ટ્રિક કારની સેવા પુરી પાડતી કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ એરલાઈન્સ દ્વારા આગામી દિવસોમાં ક્રૂ મેમ્બર્સને લાવવા લઈ જવા માટે ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ શરૂ કરવામાં આવશે
જોકે, આ વાત એરપોર્ટ સેક્ટર ની છે પણ હવે લોકો પણ ઇલેક્ટ્રીક કાર કીટ તરફ વળી રહ્યા છે અને આગામી સમય માં દરેક પોઇન્ટ ઉપર ઇલેક્ટ્રિક પંપ ઉભા થશે અને નવા જમાના માં નવી આધુનિક કાર અને વાહનો રોડ ઉપર દોડતા હશે.
