અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચાલી રહેલા ચેકીંગ દરમ્યાન રાજધાની એક્સપ્રેસ ટ્રેન મારફતે દિલ્હી થી અમદાવાદ આવેલા બે ઈસમો ને પોલીસે 1 કરોડ 44 લાખ 80 હજાર રૂપિયાની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા.
વિગતો મુજબ અમદાવાદના કાલુપુર રેલ્વે પોલીસ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 12 પર દિલ્હીથી આવેલી રાજધાની એક્સપ્રેસ માં ચેકીંગ દરમિયાન એક શખ્સ પાસે મોટો થેલો હોવાથી પોલીસને શંકા જતા તેમણે તેની તલાશી લીધી હતી. જેમાં તેના થેલામાંથી નાની બેગ મળી આવી હતી. જેમાં નકલી ચલણી નોટો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા રેલ્વેના એસ.પી.પરિક્ષીતા રાઠોડ તથા તેમની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પોલીસે આરોપીની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિકાસ શર્મા તથા તે દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે આ બનાવટી ચલણી નોટો દિલ્હીની જ એક હોટેલમાં ફક્ત બે દિવસમાં જ તૈયાર કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેના સાગરીત અને રાજસ્થાનના જોધપુરના રહેવાસી હંસરાજ બોરાણાની અટક કરી હતી. હાલમાં બન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ નોટો કોઈ ને પધરાવી છેતરપિંડી આચરે તે પહેલાં જ તેઓ પકડાઈ ગયા હતા.
