કોરોના ની સ્થિતિ પ્રતિદિન વધુ વિકટ થઈ રહી છે અને સંક્રમણ વધી રહ્યું છે હાલ મોટી મુશ્કેલી એ સામે આવી છે કે ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધતા જતા કેસો માં મોટાભાગ ના કેસ માં કોરોના પોઝિટિવના દર્દીઓમાં લક્ષણો જણાતા ન હોવાથી સરકાર માટે એક મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવતાં કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. પરંતુ 80 ટકા દર્દીઓ એવા છે જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ આ દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા નથી. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે કરોના પોઝિટિવના દર્દી નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ સાજા તો થઈ જાય છે પરંતુ રિલેપ્સ એટલે કે સાજા થયા બાદ ફરી બીમાર પડવાનું જોખમ વધી ગયું છે.
જો કોઈને રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હોય તો તેનો ફરીથી લેબ ટેસ્ટ પણ કરાશે
જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ ફાસ્ટ બનાવવામાં આવી છે, ગુજરાતમાં રેપિડ ટેસ્ટ કીટ આવી ગઈ હોવાથી આજથી જ લેબ ટેસ્ટિંગની સાથે રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. ખાસ કરીને જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધુ છે ત્યાં રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ કીટની વિશ્વસનીયતા અંગે તેમણે ખુલાસો કર્યો હતો કે આ ટેસ્ટ કીટની વિશ્વસનીયતા મામલે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં, તેથી રેપિડ ટેસ્ટ કીટની સાથે ડબલ ચેક કરવામાં આવે છે જેમ કે કોઈ એક વ્યક્તિને રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હોય તો તેનો ફરીથી લેબ ટેસ્ટ પણ કરવામાં આવશે. આમ ગુજરાત માં લોકડાઉન ની સ્થિતિ માં પણ કોરોના સતત આગળ વધી રહ્યો છે તે અંગે તંત્ર માં ચિંતા વ્યાપી છે અને કોરોના ઉપર કાબુ મેળવવા સતત પ્રયાસ કરી રહ્યા છે.
